ટાટા સ્ટીલનું મેગા મર્જર : સાત પેટાકંપનીઓના વિલીનીકરણને બોર્ડ દ્વારા અપાયેલી મંજૂરી

- ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટીનપ્લેટ, ટાટા મેટાલિક્સ, ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઈનિંગ અને એસ એન્ડ ટી માઇનિંગનું મર્જર થશે


અમદાવાદ : દેશની અગ્રણી સ્ટીલ કંપની, ટાટા સ્ટીલે સાત પેટાકંપનીઓને પોતાની સાથે મર્જ કરવાની એક મોટી યોજનાને મંજૂરી આપી છે. શુક્રવારે એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું કે ટાટા સ્ટીલના બોર્ડે આ મર્જર પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.

ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટાટા સ્ટીલ સાથે સાત પેટાકંપનીઓના વિલીનીકરણની યોજના પર વિચારણા કરી અને તેને મંજૂર કરી છે તેમ ટાટા સ્ટીલ દ્વારા બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જણાવ્યું છે. આ પેટાકંપનીઓમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ, ટાટા મેટાલિક્સ લિમિટેડ, ધ ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ લિમિટેડ, ટાટા સ્ટીલ માઈનિંગ લિમિટેડ અને એસએન્ડટી માઈનિંગ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા સ્ટીલનો ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડમાં ૭૪.૯૧ ટકા હિસ્સો છે. આ સિવાય ટાટા સ્ટીલ પાસે ટીનપ્લેટમાં ૭૪.૯૬ ટકા, ટાટા મેટાલિક્સમાં ૬૦.૦૩ ટકા અને ઈન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સમાં ૯૫.૦૧ ટકા છે, જ્યારે ટાટા સ્ટીલ માઈનિંગ લિમિટેડ અને એસ એન્ડ ટી માઇનિંગ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ છે.બોર્ડે ટાટા સ્ટીલની પેટાકંપની ટીઆરએફ લિમિટેડ જેમાં ૩૪.૧૧ ટકા હિસ્સો છે તેના પણ ટાટા સ્ટીલ લિમિટેડ સાથેના મર્જર પ્રસ્તાવને મંજૂરી આપી છે.


City News

Sports

RECENT NEWS