ફરી નેનો ભારતના રસ્તા પર દોડતી થશે ? ટાટા લોન્ચ કરવા જઈ રહી છે EV વર્ઝન
નવી દિલ્હી,તા.23 મે 2022,સોમવાર
Tata Nano EV: દરેક ભારતીય નાગરિક પાસે પોતાની કાર હોય તેવા સ્વપ્ન સાથે રતન ટાટાની કંપની ટાટા મોટર્સે ટાટા નેનો કાર લોન્ચ કરી હતી જેને લખટકિયા કાર તરીકે પણ નામના મળી પરંતુ આ કાર દેશના રોડ પર રાજ ના કરી શકી. પરફોર્મન્સ અને ભાવ પ્રમાણે આ કાર દેશની જનતાને રાસ ન આવી જોકે ફરી ટાટા પોતાનું સ્વપ્ન સાકાર કરવા વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યાં છે. ટાટા દેશ-વિશ્વની આજની જરૂરિયાત બનેલ ઈલેક્ટ્રિક કાર માટે નેનોને તૈયાર કરી રહ્યાં છે.
રતન ટાટા પોતે જાતે જ નેનો કાર લઈને તાજ હોટલ પહોંચ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક સવાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે શું ભારતની સૌથી સસ્તી અને સૌથી નાની કાર Tata Nano ફરી એકવાર દેશના રસ્તાઓ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે ?
શું ટાટા મોટર્સ ટૂંક સમયમાં ટાટા નેનોનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે? ટાટા નેનો ઇલેક્ટ્રિક કારની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાટા નેનો ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 160 કિમીની રેન્જ આપે છે. સવાલો ઉઠી રહ્યા છે કે આ કાર ક્યારે લૉન્ચ થશે, કંપની આ અંગે ટૂંક સમયમાં કોઈ ખુલાસો કરશે કે શું ?
વાત એમ છે કે થોડા દિવસો પહેલા ટાટા સન્સના વડા, ઉદ્યોગપતિ રતન ટાટાએ ટાટા નેનો ઇલેક્ટ્રિક કારમાં મુસાફરી કરી હતી. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. તસ્વીરોમાં રતન ટાટા અને તેમના સાથી શાંતનુ નાયડુ ટાટા નેનો ઈવી સાથે જોવા મળ્યાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રતન ટાટાને ન માત્ર આ કાર પસંદ આવી, પરંતુ તેમણે કારની સવારીની મજા પણ લીધી.
Electra EV તૈયાર નવી કાર
થોડા સમય પહેલા ટાટા મોટર્સે ટાટા નેનોનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. હવે પુણે સ્થિત કંપની Electra EV એ જ નેનો કારનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ તૈયાર કર્યું છે. પૂણે સ્થિત Electra EV રતન ટાટા દ્વારા શરૂ કવામાં આવી હતી.
ટાટા નેનો ઇલેક્ટ્રિક કાર
અહેવાલ અનુસાર ટાટા નેનો ઇલેક્ટ્રિક એક 4 સીટર કાર છે. Electra EVએ 624 cc પેટ્રોલ એન્જિન વળી Tata Nano કારને 72V પાવરટ્રેન સાથે સાથે બદલ્યું છે. આ ઇલેક્ટ્રિક કારમાં સુપર પોલિમર લિથિયમ આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની રેન્જ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ફુલ ચાર્જ પર 160 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. કાર 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ સિવાય કારમાં અન્ય કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.