ટેરિફથી અર્થતંત્રને આંચકો લાગશે, વિકાસ દર 0.60% ઘટશે : અર્થશાસ્ત્રીઓનો અંદાજ
- ડયુટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડયુટી, રૂપિયાના અવમૂલ્યનની ગતિ અને સ્થાનિક અર્થતંત્રમાં સુધારા સહિતના અનેક પાસાઓ પર આધારિત રહેશે
નવી દિલ્હી : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ ૫૦% ડયુટી લાદવાની જાહેરાત દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે આંચકો હોઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આનાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દરમાં ૩૫ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને ટેકો આપશે પરંતુ આ પગલું હજુ આંચકો લાવશે. જેનાથી બચાવવા માટે સરકારે પગલાં ભરવા પડશે.
એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે જો ૫૦ ટકા ડયુટી લાદવામાં આવે છે, તો ૬.૩ ટકા વૃદ્ધિનો અમારો મૂળભૂત અંદાજમાં ૪૦ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. ટ્રમ્પ ડયુટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડયુટી, રૂપિયાના અવમૂલ્યનની ગતિ અને સ્થાનિક અર્થતંત્રમાં સુધારો સહિત અનેક પાસાઓ પર આધારિત રહેશે.
મોર્ગન સ્ટેનલી રિસર્ચના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે જો તમામ માલની નિકાસ પર ૫૦ ટકા ડયુટી લાદવામાં આવે છે, તો તેની વૃદ્ધિ પર સીધી અસર ૬૦ બેસિસ પોઇન્ટ થશે. આગામી ૧૨ મહિનામાં પરોક્ષ અસર પણ લગભગ સમાન રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતની અમેરિકામાં કુલ નિકાસ ૮૬.૫ બિલિયન ડોલર હતી, જે જીડીપીના ૨.૨ ટકા છે. ઘણા અર્થશાસ્ત્રીઓને આશા છે કે ટ્રમ્પની ટેરિફ જાહેરાત ટકશે નહીં અને ૨૧ દિવસમાં બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં, જીડીપી વૃદ્ધિ ધીમી રહેશે. યુબીએસ સિક્યોરિટીઝના ચીફ ઇકોનોમિસ્ટે જણાવ્યું હતું કે, આપણે ટ્રમ્પ ટેરિફની નોમિનલ જીડીપી વૃદ્ધિ પરની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે તે કોર્પોરેટ આવક, લોન માંગ અને રાજકોષીય ખાતામાં વધારાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
જો વર્તમાન ૫૦ ટકા વેપાર ડયુટી યથાવત રહે છે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૮ ટકા હોવાનો અંદાજ પણ બગડી શકે છે. પછી તે ૫૦ બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે. પરંતુ ચલણની દ્રષ્ટિએ, મૂડી પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ રહેશે.
બેંક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટે જણાવ્યું હતું કે, જો કોઈ કરાર ન થાય અને નિકાસકારો માટે કોઈ પેકેજ ન મળે, તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર ૪૦ બેસિસ પોઇન્ટ ઘટશે.
ગોલ્ડમેન સક્સના એક રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો નવી વધારાની ડયુટી લાગુ કરવામાં આવે છે, તો આ કેલેન્ડર વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૦.૬ ટકા સુધી ઘટી શકે છે.