Get The App

ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે

- પરિસ્થિતિ વધુ જટિલ બનતા અમેરિકન ખરીદદારો તરફથી ૬૦% ઓર્ડર રદ થઈ શકે છે

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે 1 - image


અમદાવાદ : ૧ ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ માલ પર ૨૫ ટકા આયાત ડયુટી (ટેરિફ) લાદવાની અમેરિકાની જાહેરાતથી ભારતીય નિકાસકારોમાં ઊંડી ચિંતા ફેલાઈ ગઈ છે. આ સાથે, રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી પર સંભવિત 'દંડ'ની અનિશ્ચિતતાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.

ઘણા અમેરિકન ખરીદદારોએ હાલ માટે ઓર્ડર રદ કરવા અથવા આયાત બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને (ફીયો) જણાવ્યું હતું કે ઉદ્યોગો હજુ પણ યુએસ એક્ઝિક્યુટિવ ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે કયા સ્વરૂપમાં અને કેટલા ટેરિફ અને દંડ લાદવામાં આવશે. તેમણે કહ્યું નિકાસકારોને ઘણા અમેરિકન ખરીદદારો તરફથી ઓર્ડર રદ કરવાના ઇમેઇલ મળવા લાગ્યા છે. પરિસ્થિતિ ખરેખર ચિંતાનો વિષય છે.

પ્લાસ્ટિક ઉત્પાદનોના નિકાસકારોએ જણાવ્યું હતું કે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ઓછી આયાત ડયુટી છે, જે ભારતની સ્પર્ધાત્મક સ્થિતિને નબળી બનાવી રહી છે. જો ૨૫ ટકા ટેરિફ ઉપરાંત દંડ પણ લાદવામાં આવે છે, તો અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે.

 ચામડા અને ફૂટવેરના નિકાસકારે જણાવ્યું હતું કે, જો આ ડયુટી લાગુ કરવામાં આવે છે, તો લગભગ ૬૦ ટકા ઓર્ડર રદ થઈ શકે છે. અમેરિકન ખરીદદારો પરિસ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. 

જો કે વેપારી અને નિકાસકાર સમુદાયને આશા છે કે ભારત અને યુએસ ટૂંક સમયમાં એક વચગાળાનો વેપાર કરાર કરશે, જે ૨૫ ટકા ટેરિફ અને દંડ દૂર કરશે. આ કરાર બંને દેશો માટે વેપાર સ્થિરતા લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ભારતની યુએસથી કુલ ૪૫ બિલિયન ડોલરની આયાતમાંથી, લગભગ ૨૦ બિલિયન ડોલરનો વેપાર પેટ્રોલિયમ, કોલસો, હીરા, સોનું અને ભંગાર જેવા પસંદગીના ઉત્પાદનોમાં કેન્દ્રિત છે.

૧ ઓગસ્ટથી અમલમાં આવનારા ટેરિફની સીધી અસર લાખો નાના અને મોટા નિકાસકારો, કારીગરો અને એમએસએંઈ એકમો પર પડશે. જો ટૂંક સમયમાં રાજદ્વારી ઉકેલ નહીં મળે, તો ભારતનો વેપાર સરપ્લસ અને વૈશ્વિક સ્પર્ધામાં સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.

ભારતની મુખ્ય નિકાસ પર નજર 

ઉત્પાદન મૂલ્ય

(અબજ ડોલરમાં)

ફાર્માસ્યુટિકલ

૮.૧

ટેલિકોમ સાધનો

૬.૫

પેટ્રોલિયમ ઉત્પાદનો

૪.૧

વાહનો, ઓટો પાર્ટસ

૨.૮

જવેલરી

૩.૨

તૈયાર વસ્ત્રો

૨.૮

લોખંડ, સ્ટીલ ઉત્પાદનો

૨.૭

Tags :