ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે
- ડયુટીની અસર ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫થી જોવા મળશે
અમદાવાદ : અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ૨૫ ટકાનો ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ ૫૦ ટકા ટેરિફ બાદ પણ હજી ભારત પર આકરા નિર્ણયો લેવાની ચિમકી ટ્રમ્પે ઉચ્ચારતા ભારતના અમેરિકામાં નિર્યાત થતા માલસામાન પર એક મોટો બોજો પડવાનો અંદાજ છે.
ભારતથી નિકાસ થતી પ્રોડક્ટો પર કુલ યુએસનો આયાત ડયુટી દર ૫૦ ટકા સુધી પહોંચતા સૌથી વધુ અસર ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગ પર પડશે. ટ્રમ્પના ટેરિફ ટેરિરિઝમની સૌથી મોટી અસર ભારતના ઓટો પાર્ટ્સ નિકાસ પર જોવા મળશે.
અમેરિકા ભારતીય ઓટો કમ્પોનન્ટ્સ માટે એક મોટું બજાર છે અને વાર્ષિક આશરે ૭ અબજ ડોલર એટલેકે લગભગ ૬૧,૦૦૦ કરોડ રૂપિયાનો માલસામાન ત્યાં મોકલવામાં આવે છે પરંતુ ટેરિફમાં અચાનક આ વધારો આ વેપારને લગભગ અડધો કરશે.
નવી ડયુટીની અસર ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫થી દેખાશે. આ દિવસથી ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા ઓટો પાર્ટ્સ અને અન્ય અસરગ્રસ્ત ઉત્પાદનો પર ૫૦ ટકા આયાત ડયુટી લાગુ થશે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો ઓટો ક્ષેત્રમાં ભારતની અમેરિકા સાથેની વેપાર ખાધ નોંધપાત્ર રીતે વધી શકે છે. આનાથી માત્ર કંપનીઓની કમાણી પર જ અસર થશે નહીં, પરંતુ રોજગારીની તકો પણ પ્રભાવિત થઈ શકે છે, ખાસ કરીને અમેરિકામાં નિકાસ પર આધારિત એકમોને મોટો ફટકો પડશે.