Get The App

ટેરિફની દલાલ સ્ટ્રીટ પર આડઅસર : વિદેશી રોકાણકારોનો 1.8 અબજ ડોલરનો આઉટફલો

- છેલ્લા ૭ મહિના એટલેકે જાન્યુઆરી બાદનો આ સૌથી મોટો આઉટફલો :

- ભારતીય ફંડોમાંથી વૈશ્વિક રોકાણકારો દૂર થઈ ચીન અને હોંગકોંગ કેન્દ્રિત ફંડો તરફ વળ્યા

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફની દલાલ સ્ટ્રીટ પર આડઅસર : વિદેશી રોકાણકારોનો 1.8 અબજ ડોલરનો આઉટફલો 1 - image


અમદાવાદ : ભારત પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટથી દૂર થઈને અન્ય આકર્ષક બજારો તરફ વળી રહ્યાંના સંકેતો આંકડા આપી રહ્યાં છે. 

છેલ્લા કેટલાક અઠવાડિયામાં વૈશ્વિક રોકાણકારોનું ભારત તરફનું વલણ ઝડપથી બદલાયું છે. ભારત આધારિત ઈક્વિટી ફંડોમાંથી મોટાપાયે વિદેશી રોકાણકારો નાણાં ઉપાડી રહ્યા છે, જ્યારે ચીન અને હોંગકોંગ ફંડોમાં રોકાણ વધી રહ્યું છે. એલારા કેપિટલના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા ચાર અઠવાડિયામાં ભારત-કેન્દ્રિત ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે. આંકડો છેલ્લા ૭ મહિના એટલેકે જાન્યુઆરી બાદનો સૌથી મોટો ઉપાડ છે. 

બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું રોકાણ થયું છે. આ ફેરફાર ઉભરતા બજારોમાં રોકાણ વલણમાં મોટો ઉલટફેર દર્શાવે છે, જે ૨૦૨૩થી ૨૦૨૪ સુધી ભારતની તરફેણમાં જ હતો.

આંકડા દર્શાવે છે કે આ ફેરફાર ઓક્ટોબર, ૨૦૨૪માં યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછીથી શરૂ થયો હતો. ટ્રમ્પની તાજપોશી બાદથી ભારતમાંથી ૩.૭ અબજ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઇનફ્લો જોવા મળ્યો છે. આ સ્થિતિ માર્ચ, ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમયગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો હતો અને ચીનમાં ૨૬ અબજ ડોલરનો આઉટફલો જોવા મળ્યો હતો.

એલારા કેપિટલના અહેવાલ અનુસાર તાજેતરના ૧.૮ અબજ ડોલરના આઉટફ્લોમાંથી ૧ અબજ ડોલર એક્સચેન્જ ટ્રેડેડ ફંડો અને ૭૭ કરોડ ડોલર એક્ટિવ ફંડોમાંથી પરત ખેંચાતા હતા. એપ્રિલમાં ટ્રમ્પના ટેરિફ ડર પછી ઇનફ્લો મોટે ભાગે ઈટીએફમાં કેન્દ્રિત હતો, પરંતુ ઓક્ટોબરથી લાંબા સમયથી ચાલતા ફંડો સતત આઉટફ્લોના દબાણ હેઠળ છે. 

વિઝડમટ્રી, ઇન્વેસ્કો, શ્રોડર, અમુન્ડી અને ફ્રેન્કલિન ઇન્ડિયા જેવા મોટા વૈશ્વિક ફંડોમાં ભારે વેચાણ જોવા મળ્યું છે અને ખાસ કરીને તેમના લાર્જ-કેપ કેન્દ્રિત વ્યૂહરચનાઓના ફંડોમાંથી મોટો ઉપાડ નોંધાયો છે. જોકે સ્થાનિક ફંડો દ્વારા મજબૂત ખરીદીએ આ વેચાણની અસરને અમુક અંશે સરભર કરી છે.

ભારતમાં ૪૧ ફંડોએ હિસ્સો ઘટાડયો રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટયું

નોમુરાના તાજેતરના અહેવાલમાં ભારતમાં રોકાણકારોના ઘટતા વિશ્વાસ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૪૫ મોટા ઉભરતા બજાર ભંડોળના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જુલાઈમાં ભારતમાં રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટયું હતું અને ૪૧ ફંડોએ તેમનો હિસ્સો ઘટાડયો હતો. એમએસસીઆઈ ઈમર્જીંગ માર્કેટ ઇન્ડેક્સની તુલનામાં ભારત હવે ૨.૯ ટકા ટકા અન્ડરવેઈટ છે. ભારતમાં ૭૧ ટકા ફંડો અન્ડરવેઈટેજ છે, જે જૂનમાં માત્ર ૬૦ ટકા હતા. બીજી તરફ હોંગકોંગ, ચીન અને દક્ષિણ કોરિયામાં રોકાણ વધ્યું છે, જેમાં અનુક્રમે ૮૦, ૭૦ અને ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.


Tags :