ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

અમદાવાદ : ભારતમાંથી રત્ન અને ઝવેરાત ઉત્પાદનો પર યુએસ આયાત ટેરિફમાં તાજેતરમાં વધારાને કારણે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વિક્ષેપ પડવાની સંભાવના છે. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવતા, વિવિધ રત્નો અને ઝવેરાતની ચીજવસ્તુઓ પર યુએસએ દ્વારા ૫૦% ટેરિફ લાદવામા આવ્યો છે, જેમાં કટ અને પોલિશ્ડ હીરા, લેબ-ગ્રોન હીરા, સોનું, ચાંદી, પ્લેટિનમ અને ઇમિટેશન જ્વેલરીનો સમાવેશ થાય છે.
અગાઉ, આ ઉત્પાદનો પર વસ્તુના આધારે ૦% થી ૧૩.૫% સુધીનો ટેરિફ લાગતો હતો, જે ૧ ઓગસ્ટ ૨૦૨૫થી વધીને ૨૫% થયો હતો.
આ અંગે ટિપ્પણી કરતા, જ્વેલરી ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિના કારણે ગંભીર આર્થિક પરિણામો આવવાની ધારણા છે, ખાસ કરીને રોજગાર પર. આગામી ૪-૫ મહિનામાં અંદાજે ૧૨૫,૦૦૦ લોકો નોકરીઓ ગુમાવી શકે છે, જે મોટે ભાગે સુરત અને મુંબઈના હીરા, પોલિશિંગ અને જ્વેલરી ઉત્પાદનમાં રોકાયેલા કામદારો હશે.
બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, જે આદર્શ રીતે આ વર્ષે નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની વકી છે. જ્યાં સુધી વેપાર કરાર પર વાટાઘાટો ન થાય ત્યાં સુધી, આ દંડાત્મક ટેરિફ ભારતના રત્ન અને ઝવેરાત ક્ષેત્ર પર ગંભીર અસર કરશે, જેની નિકાસ, રોજગાર અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર દૂરગામી અસરો થશે.
જ્વેલરી ક્ષેત્રના સૂત્રો આશા રાખે છે કે સરકાર ખૂબ જ વિલંબિત સેઝ સુધારાઓ અને ચોક્કસ પગલાં ભરશે જે વૈશ્વિક સ્તરે ઈકોમર્સને વેગ આપશે કારણ કે ઉદ્યોગને બજાર વૈવિધ્યકરણ અપનાવવું પડશે. તાત્કાલિક ધોરણે અન્ય વિકાસશીલ બજારો, ખાસ કરીને બ્રિક્સ સાથે કરારની ની પણ ખૂબ જ જરૂર છે. આ ઉપરાંત, સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે બજેટ પણ ફાળવશે અને આ આર્થિક અનિશ્ચિતતાને દૂર કરવામાં મદદ કરશે.








