ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ
- ઘરેલું માંગ આધારિત અર્થતંત્ર હોવાથી પ્રતિકૂળ અસર નહીં પડે
મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. જો કે ભારતમાં ઘરઆંગણેની માગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું.
૧લી ઓગસ્ટથી ૨૫ ટકા ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦ ટકા રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦ ટકા રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦ ટકા હતો.
અમેરિકાથી આવતા માલસામાન પર ભારત ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦ ટકા ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫ ટકાના ટેરિફ દરથી દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે.
આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે.