મુંબઈ : ભારતના મોટાભાગના માલસામાન પર અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્ણય ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ, એપરલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે. આ ક્ષેત્રો ભારતના ટોચના નિકાસ ક્ષેત્રો છે. સ્પર્ધક દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ લાભદાયી બની રહેશે.
ભારત અને અમેરિકા એક વેપાર કરાર કરવા સહમત થયા છે જે હેઠળ અમેરિકાએ ભારત પરની રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરવા અને રશિયાના ઓઈલ ખરીદવા પેટે ભારત પર લાગુ કરવામાં આવેલી વધારાની ૨૫ ટકા ટેરિફ નાબુદ કરવા અમેરિકા સહમત થયું છે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે સોમવારે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ટ્રમ્પે કરેલા ટ્વિટમાં તેમણે ૨૫ ટકા રેસિપ્રોકલ ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી હતી.
આ કરારથી અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ફરી વધારો જોવા મળશે એમ મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે. ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં ભારતની કુલ નિકાસમાંથી ૨૧ ટકા નિકાસ અમેરિકામાં થઈ હતી.
નીચા ટેરિફ દર શ્રમ લક્ષી ક્ષેત્રો જેમ કે જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ્સ તથા એપરલ ઉદ્યોગ માટે ક્રેડિટ પોઝિટિવ બની રહેશે. આ માલસામાનની અમેરિકા ખાતે મોટેપાયે નિકાસ થાય છે.
ફાર્મા તથા કન્ઝયૂમર ઈલેકટ્રોનિકસને આ અગાઉથી જ ૫૦ ટકા ટેરિફમાંથી મુકત રખાયા છે. ભારતે રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ભલે ઘટાડી હોય પરંતુ તે સંપૂર્ણ રીતે તો બંધ નહીં કરે કારણ કે તેનાથી ભારતના આર્થિક વિકાસમાં ખલેલ પડી શકે છે.
રશિયા સિવાયના ઓઈલ તરફ સંપૂર્ણ વળવાથી અન્યત્ર પૂરવઠો ખોરવાઈ શકે છે અને ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે વિશ્વમાં ભારત ક્રુડ ઓઈલનું મોટું આયાતકાર છે, એમ મૂડી'સ દ્વારા વધુમાં જણાવાયું હતું.
દરમિયાન ટેરિફમાં ઘટાડાને કારણે ભારત અમેરિકાની બજારમાં ચીન તથા એશિયનના તેના હરિફો દેશો કરતા વધુ લાભદાયી બની રહેશે એમ ડીબીએસ ગુ્રપ રિસર્ચ દ્વારા જણાવાયું હતું.
ભારત પરના ટેરિફ ૫૦ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાતા મોટાભાગના એશિયન હરિફ દેશો કરતા ભારતના દર નીચે આવી ગયા છે જેને કારણે ભારત લાભદાયી સ્થિતિમાં આવી ગયું છે.


