સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટનો હુકમ, સ્વિસ બેંક અનિલ અંબાણી પરિવારનાં બેંક ખાતાઓની માહિતી ભારતને આપે
નવી દિલ્હી, 15 મે 2021 શનિવાર
સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટે 29 એપ્રિલે આદેશ આપ્યો હતો કે રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી અને તેમના બંને પુત્રોનાં નામે સ્વિસ બેંક ખાતાની માહિતી ભારત સરકાર સાથે વહેંચવામાં આવે. આ અંતર્ગત ભારતને એપ્રિલ 2011 થી સપ્ટેમ્બર 2018 દરમિયાન સ્વિસ બેંકમાં અનિલ અંબાણી અને તેના પરિવારનાં નાણાકિય વ્યવહારોની માહિતી શેર કરવામાં આવશે.
ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પાસે સ્વિસ બેંકમાં રહેલા ભારતીયોના ખાતા વિશે માહિતી માંગી હતી. આ સંદર્ભે, આ મામલો સ્વિટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે સ્વિસ બેંક અને સ્વિટ્ઝરલેન્ડ સરકારને ભારત સરકારને આ માહિતી પૂરી પાડવા જણાવ્યું છે.
એક સ્વિસ મેગેઝિને આ અંગે રિપોર્ટ આપ્યો છે. જોકે અદાલતની ઓર્ડર કોપીમાં અનિલ અંબાણી અને તેના પરિવારના નામની જગ્યાએ A,B,C,D એવું લખેલું છે, પરંતુ સ્વિસ મેગેઝિનનાં પત્રકારના જણાવ્યા મુજબ જે પત્રકારો કોર્ટનું રિપોર્ટિંગ કરે છે, તે પત્રકારોને કોર્ટની ફાઇલમાં જોવાની છૂટ છે, અને તે ફાઇલમાં તેમના નામ લખેલા છે.
અનિલ અંબાણી સહિત ઘણા ભારતીયોના નામ HSBC બેંકના લીક થયેલા દસ્તાવેજોમાં આવ્યા છે કે તેમણે ટેક્સ ભરવાથી બચવા માટે સ્વિસ બેંકોમાં ખાતા ખોલાવ્યા છે. જો કે, ભારત સરકાર હાલમાં કાળા નાણાંની યાદીમાં રહેલા તમામ લોકોના નામ જાહેર કરવાનું ટાળી રહી છે.