મંદીના ભણકારા: NSE500ના એક તૃતાંક્ષ શેર 2022માં 25% તૂટ્યાં, 15 શેર 2022ના તળિયે

અમદાવાદ : કોરોના મહામારી બાદ ઝડપથી રિકવર થઈ રહેલ વૈશ્વિક અર્થવ્યવસ્થા મોંઘવારીની માયાજાળમાં ભરાઈ રહી હતી અને હવે આ મોંઘવારીને ડામવા માટે વૈશ્વિક સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારાનો વિકલ્પ અપનાવી રહી છે. વ્યાજદર વધતા ધિરાણ મોંઘું થશે અને જે-તે દેશના વિકાસની વૃદ્ધિ અટકશે તથા ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી વિદેશી પૈસા પરત ખેંચાવાની આશંકાએ ભારતીય શેરબજારમાં મસમોટો કડાકો જોવા મળી રહ્યો છે. 
બે મહિના અગાઉ નવા ઓલટાઈમ હાઈની નજીક પહોંચેલ બેંચમાર્ક ઈન્ડાયસિસો હવે એક વર્ષના તળિયે પહોંચ્યા છે અને 2020ના કોરોના મહામારી સમયના તળિયા નજીક સર્કર્યા છે. જોકે તાજેતરમાં આવેલ આ સેલઓફમાં સૌથી વધુ મોટો ફટકો ઝડપથી વૃદ્ધિ પામતી મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓને પડી રહ્યો છે. સસ્તા ધિરાણની આશાએ કારોબાર વિસ્તરણનીઓ યોજનાઓ મોંઘી પડી રહી છે અથવા ખોરંભે ચઢી રહી છે.
| ઈન્ડેકસ | 52 સપ્તાહની ટોચેથી ઘટાડો | 
| 
 | 
 | 
| બીએસઈ સેન્સેકસ | 17.10% | 
| એનએસઈ નિફટી 50 | 17.50% | 
| બીએસઈ મિડકેપ | 22.92% | 
| બીએસઈ સ્મોલકેપ | 25.18% | 
ક્રૂડના ઉંચા ભાવ અને કાચામાલની અછતા-ઉંચી પડતરને કારણે બેંચમાર્ક કરતા બ્રોડર માર્કેટના વધુ સૂપડાસાફ થઈ રહ્યાં છે. ખાસ કરીને 2020ના કોરોનાકાળ બાદ ઝડપથી ઉંચકાયેલા ઘણા બ્લુ-ચિપ શેરોમાં મસમોટું નુકસાન તાજેતરના સેલઓફમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટી 500માંથી ચોથા ભાગની કંપનીઓ તેમની 52-સપ્તાહના તળિયે પહોંચી છે કારણ કે મંદીના વધતા ભયને કારણે સમગ્ર વિશ્વમાં વેચવાલી શરૂ થઈ હતી. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો અલ્ટ્રા લુસિંગ મોનિટરી પોલિસી હવે કડક બનાવવા ઝડપથી આગળ વધી રહી છે ત્યારે રોકાણકારોએ જોખમી અસ્કયામતોથી રોકાણ પરત ખેંચીને સલામતે સ્થળે રોકાણ કરી રહ્યાં છે.
ઈન્ડેકસ 25મી મે, 2021 બાદના તળિયે પહોંચ્યું છે અને NSE500માં સમાવિષ્ટ 142 જેટલા શેર 52-સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા છે. આ NSE500 ઇન્ડેક્સ દેશના શેરમાર્કેટની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ 90% હિસ્સો ધરાવે છે જ્યારે શેરબજારના કુલ ટર્નઓવરમાં 98% હિસ્સો આ કંપનીઓમાં થતો હોય છે. ઓક્ટોબરમાં જોવા મળેલ રેકોર્ડ હાઈ સ્તરેથી એનએસઈ 500 ઈન્ડેકસ 18.2% ઘટ્યું છે. 18 ઓક્ટોબરના ઐતિહાસિક સ્તરેથી આ 142 શેરોના બજાર મૂલ્યમાં કુલ રૂ. 26.3 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે, જેમાં TCS અને HDFC બેન્કે અનુક્રમે રૂ. 2.2 લાખ કરોડ અને રૂ. 2.1 લાખ કરોડ ગુમાવ્યા છે.
માર્કેટ એક્સપર્ટસનું માનવું છે કે આગામી સમયમાં ઈક્વિટી બજારમાં અને ખાસ કરીને મિડકેપ સ્મોલકેપ શેરમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે કારણકે આ નાના શેરમાં 2020 બાદ રિટેલ રોકાણકારોનો નોંધપાત્ર ઘસારો જોવા મળ્યો છે અને હવે તેઓ આ બજારને સેલઓફથી ઘબરાઈને નફા અથવા સામાન્ય નુકશાન સાથે પણ પોર્ટફોલિયો હલકો કરશે અને તેને કારણે આ કંપનીઓમાં વેચવાલીનો દોર આગામી એકાદ કવાર્ટર યથાવત રહેવાની આશંકા છે.
સામે પક્ષે બેંકો દ્વારા થાપણના દરમાં વધારો થવાને કારણે હાઉસહોલ્ડ ફ્લો જે ઈક્વિટીમાં આવી રહ્યો હતો તે હવે આ ઉથલપાથાલને જોતા ધીમો પડી શકે છે. વિશ્લેષકોના મતે ઇક્વિટી તરફ એસેટ એલોકેશન બેંક ડિપોઝિટને કારણે જોખમી ગણાતા ઈક્વિટી બજારમાં ઘટશે.
NSE500ના સેલઓફમાં સૌથી વધુ ખાનાખરાબી આઈટી અને મેટલ શેરમાં જોવા મળી રહી છે. અમેરિકા અને વિશ્વભરમાં ટેક બબલ ફૂટવાની આશંકા અને ચીનમાં ફરી કોરોનાએ કહેર વર્તાવતા તથા ઉંચા ભાવ-પડતરને કારણે માંગ ઘટતા સૌથી વધુ ઘટાડો દલાલ સ્ટ્રીટમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને મેટલ શેરમાં નોંધાયો છે.
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2021માં નિફ્ટી50ના 24.1%ના વધારાની સામે 70% જેટલો વધ્યો હતો. ગત વર્ષની રેલી પછી છેલ્લા બે મહિનામાં જ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 30%થી વધુનો મસમોટો કડાકો જોવા મળ્યો છે.
ટોચની ચાર આઇટી કંપનીઓ - ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને વિપ્રો - 17 જૂનના રોજ તેમના 52-સપ્તાહના તળિયે પહોંચી ગયા હતા. મેટલ સેક્ટરમાં ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને સેલ પણ એક વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયા હતા.
| કંપનીનું નામ | 52 સપ્તાહનું તળિયું | 3 મહિનામાં આવેલ ઘટાડો(%) | 
| 
 | 
 | 
 | 
| TCS | 3023.85 | -15.9 | 
| HDFC બેંક | 1271.60 | -12.9 | 
| ઈન્ફોસિસ | 1367.15 | -25.2 | 
| HDFC | 2026 | -15 | 
| બજાજ ફાઈનાન્સ | 5220 | -22.5 | 
| HCL ટેક | 944.05 | -19.9 | 
| એશિયન પેઈન્ટ | 2560 | -17.7 | 
| વિપ્રો | 402.05 | -32.6 | 
| એક્સિસ બેંક | 626.6 | -14.1 | 
| અલ્ટ્રાટેક સિમેન્ટ | 5157.05 | -18.8 | 


