For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

આગામી રવી મોસમના પાકો માટે ટેકાના ભાવમાં સાત ટકા સુધી વધારો થવા વકી

- આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂતોને નિરાશ કરવા માગતી નથી

Updated: Sep 19th, 2023


મુંબઈ : ૨૦૨૪-૨૫ના  વર્ષની રવી મોસમના ૬ પાકો માટેના લઘુત્તમ ટેકાના ભાવમાં સરકાર ૨થી ૭ ટકા જેટલો વધારો કરે તેવી ધારણાં રાખવામાં આવે છે. લોકસભા તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂત વર્ગને નિરાશ કરવા માગતી નથી.

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂતોને નિરાશ કરવા માગતી નથી

મુખ્ય રવી પાક ઘઉં માટે વર્તમાન વર્ષમાં સરકારે ટેકાનો ભાવ ૫.૫૦ ટકા વધારી  ક્વિન્ટલ દીઠ રૂપિયા ૨૧૨૫ કર્યો હતો. મસુરના ટેકાના ભાવ ૯.૧૦ ટકા વધારી રૂપિયા ૬૦૦૦ કરાયા  હતા. આગામી મોસમમાં ઘઉં તથા મસુરના ટેકાના ભાવ સાત ટકા જેટલા વધારી તેને રૂપિયા ૨૨૭૫-૨૩૦૦ તથા રૂપિયા ૬૪૨૫-૬૪૫૦ સુધી લઈ જવાય તેવી વકી છે. 

રાયડા તથા સરસવના ભાવમાં ૩.૫૦-૪ ટકા  વધારો કરી તેને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૬૫૦-૫૭૦૦ કરવામાં આવે તેવી ધારણાં હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ચણાના ટેકાના ભાવમાં  બે ટકા જેટલો વધારો જોવા મળવા શકયતા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. દેશમાં અનાજના કુલ વાર્ષિક ઉત્પાદનમાંથી પચાસ ટકા ઉત્પાદન રવી મોસમમાં થાય છે. ટેકાના ભાવમાં વધારો કરવા  અંગેની દરખાસ્ત કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટસ અને પ્રાઈસિસે સરકારને સુપરત કરી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. 

પાક લેવા પાછળ થતાં ખર્ચ અને અન્ય પાસાંઓને ધ્યાનમાં રાખી કમિશન ટેકાના ભાવ બાબત ભલામણ કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી નિર્ધારી છે એટલું જ નહીં તે પહેલા પાંચ જેટલા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સરકાર ખેડૂત વર્ગને નિરાશ કરવા માગતી નથી. 

Gujarat
Worldcup 2023
English
Magazines