Get The App

દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર

- દેશમાં ૧૫.૮૮૫ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું, જેમાં મહારાષ્ટ્રનું આશરે ૬.૫૫ મિલિયન ટન

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર 1 - image

અમદાવાદ : મહારાષ્ટ્રમાં શેરડીની મીઠાશ વધવાને કારણે, રાજ્યમાં ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકાથી વધુ ખાંડનું ઉત્પાદન વધ્યું છે. જોકે, અન્ય મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં ઓછા ઉત્પાદનને કારણે, દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર ૨૨ ટકા વધ્યું છે. તાજેતરના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં ૧૫.૮૮૫ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જેમાં મહારાષ્ટ્ર આશરે ૬.૫૫ મિલિયન ટન ખાંડ સાથે અગ્રેસર છે.

ચાલુ ૨૦૨૫-૨૬ સીઝનમાં મહારાષ્ટ્રમાં શેરડીનું પિલાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, રાજ્યભરમાં પિલાણ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. મહારાષ્ટ્ર સુગર કમિશનરેટના તાજેતરના આંકડા અનુસાર, ૧૮ જાન્યુઆરી સુધીમાં ૧૯૮ ખાંડ મિલોએ પિલાણ શરૃ કરી દીધું હતું. અત્યાર સુધીમાં, આ મિલોએ ૭૨૪.૪૭ લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું છે, જેમાંથી ૬૫૪.૯૩ લાખ ક્વિન્ટલ (૬૫.૪૯૩ લાખ ટન) ખાંડનું ઉત્પાદન થયું છે. 

ખાંડનો સરેરાશ રિકવરી દર હાલમાં ૯.૦૪ ટકા છે. ગયા સિઝનમાં, આ સમય સુધીમાં, રાજ્યમાં ૧૯૯ મિલોએ કામગીરી શરૃ કરી હતી અને ૫૧૮.૬૮ લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું. ગયા વર્ષે, સરેરાશ ખાંડ રિકવરી દર ૮.૮૫ ટકા હતો, અને આ સમય સુધીમાં, રાજ્યએ આશરે ૪૪ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના ડેટા અનુસાર, ૨૦૨૫-૨૬ સીઝન (ઓક્ટોબર-ડિસેમ્બર) દરમિયાન ભારતનું ખાંડનું ઉત્પાદન ૧૫.૮૮૫ મિલિયન ટન સુધી પહોંચ્યું છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં ઉત્પાદિત ૧૩.૦૬ મિલિયન ટન કરતા ૨૨ ટકા વધારે છે. મહારાષ્ટ્ર સિવાય, અન્ય મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું છે.

દેશના સૌથી મોટા શેરડી ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં, ઉત્પાદન ૭ ટકાથી ઓછા વધીને ૪.૫૭ મિલિયન ટન થયું, જે ગયા વર્ષના ૪.૨૮૫ મિલિયન ટન હતું. કર્ણાટકમાં પણ ૩.૦૭ મિલિયન ટનનંી ઉત્પાદન થયું, જે ૨.૭૧ મિલિયન ટનથી લગભગ ૧૩ ટકા વધારે છે.