Get The App

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો

- ઓકટોબરથી ફેબુ્રઆરીમાં ૩.૧૫ લાખ ટન ખાંડ નિકાસ કરાઈ

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો 1 - image

મુંબઈ : વર્તમાન ખાંડ મોસમમાં ભારતની ખાંડ મિલોએ ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૨.૬૧ કરોડ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે જે ગઈ મોસમના સમાન ગાળાની સરખામણીએ ૧૦.૪૦ ટકા વધુ છે. જો કે વર્તમાન મોસમના એકંદર ઉત્પાદન અંદાજમાં ઘટાડો કરાયો છે. 

દેશના ટોચના ત્રણ ખાંડ ઉત્પાદક રાજ્યોમાં સ્થિતિ સાનુકૂળ હોવાને પરિણામે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૭૮.૬૦ લાખ ટન પરથી વધી ૯૮.૫૦ લાખ ટન રહ્યું છે જ્યારે કર્ણાટકમાં ઉત્પાદન ૧૭.૧૦ ટકા જોરદાર વધી ૪૫.૮૦ લાખ ટન રહ્યું હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીસના ડેટા જણાવે છે.

ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન જે ગઈ મોસમના ૧લી ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીમાં ૮૧ લાખ ટન રહ્યું હતું તે વર્તમાન મોસમના સમાન ગાળામાં સાધારણ વધી ૮૧.૫૦ લાખ ટન જોવા મળ્યું છે.

૫૩૩ ખાંડ મિલો જેણે પિલાણ કામગીરી શરૂ કરી હતી તેમાંથી ૩૩૩ મિલોએ કામગીરી બંધ કરી દીધી છે. 

સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન મોસમના અંતે દેશનું ખાંડ ઉત્પાદન ૨.૮૩ કરોડ ટન રહેવા ધારણાં છે જે અગાઉના ૨.૯૬ કરોડ ટનના અગાઉના અંદાજ કરતા  ૪.૪૦ ટકા જેટલી નીચી છે. કેટલાક રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનને કારણે અંદાજમાં ઘટાડો આવી પડયો છે. 

વર્તમાન વર્ષના ઓકટોબરથી ફેબુ્રઆરીના ગાળામાં મિલોએ અત્યારસુધી ૩.૧૫ લાખ ટન ખાંડ નિકાસ થઈ છે. આ નિકાસ મુખ્યત્વે યુએઈ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, તાંઝાનિયા ખાતે થઈ હોવાનું ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. 

વર્તમાન વર્ષમાં સાકરની સૌથી વધુ નિકાસ યુએઈ ખાતે થઈ છે. વર્તમાન મોસમમાં સરકારે કુલ વીસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે.