Get The App

ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 18 ટકાથી વધુની ઘટ

- શેરડીની નીચી ઉપલબ્ધતાને કારણે એકંદર ઉત્પાદન પર અસર

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 18 ટકાથી વધુની ઘટ 1 - image


મુંબઈ : નવેમ્બરથી ઓકટોબર (૨૦૨૪-૨૫)ની વર્તમાન ખાંડ મોસમમાં જુલાઈ સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઓછું રહી ૨.૫૮કરોડ ટન રહ્યું છે. દેશમાં ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા એકંદર ઉત્પાદન પર અસર પડી છે એમ નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીસ લિ.ના સુત્રોએ જણાવ્યું હતું.

ગઈ ખાંડ મોસમમાં એકંદરે ૩.૧૯ કરોડ ટનની સરખામણીએ ઓકટોબરમાં સમાપ્ત થનારી વર્તમાન ખાંડ મોસમનું કુલ ઉત્પાદન ઘટી ૨.૬૧ કરોડ ટન રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. 

કર્ણાટક તથા તામિલનાડૂમાં હાલમાં ખાસ પીલાણ મોસમ ચાલી રહી છે. ગયા વર્ષમાં એકની સરખામણીએ કર્ણાટકમાં હાલમાં સાત મિલો કાર્યરત છે. તામિલનાડૂમાં ૧૧ની સરખામણીએ ૯ મિલો હાલમાં કાર્યરત છે. 

દેશમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં જુલાઈ સુધીમાં ઉત્પાદન ૯૨.૭૦ લાખ ટન રહ્યું હતું જે ગયા વર્ષના આ ગાળામાં ૧.૦૩ કરોડ ટન રહ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ ઉત્પાદન ૧.૧૦ કરોડ ટન પરથી ઘટી ૮૦.૯૦ લાખ ટન રહ્યું છે. અન્ય મુખ્ય ઉત્પાદક રાજ્ય કર્ણાટકમાં ઉત્પાદન ૫૧.૬૦ લાખ ટનની સરખામણીએ ૪૦.૬૦ લાખ ટન ઊતર્યું હોવાનું પણ ફેડરેશનના ડેટા જણાવે છે.

શેરડીની ઉપલબ્ધતામાં ઘટાડાને કારણે સાકરના ઉત્પાદન પર અસર પડી છે. આ ઉપરાંત ઈથેનોલના ઉત્પાદન તરફ વધુ ખાંડ વળવાને કારણે પણ ઉત્પાદનમાં ઘટ જોવા મળી છે. આગળ જતા ૨૦૨૫-૨૬ની ખાંડ મોસમમાં ઉત્પાદન આંક ૩.૫૦ કરોડ ટન રહેવા અંદાજવામાં આવ્યો છે. ચોમાસાની સાનુકૂળ સ્થિતિ, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં શેરડીના વાવેતરમાં વધારો તથા સરકાર દ્વારા વળતરદાયી ભાવમાં સમયસર વૃદ્ધિને કારણે ખાંડ ઉત્પાદન ઊંચુ જોવા મળશે એમ ફેડરેશનના સુત્રોએ જણાવ્યું હતું.

આરોગ્ય સંભાળ પ્રત્યે જાગૃકતાને કારણે ખાંડનો વપરાશ ઘટી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ઈથેનોલના પ્રાપ્તિ ભાવમાં સુધારા તથા ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવા તથા વધારાના સ્ટોકના નિકાલ માટે નિકાસ કવોટા વધારી આપવા ફેડરેશને સરકારને વિનંતી કરી છે. 

ખાંડ મિલોને ટકાવી રાખવા આ પગલાં જરૂરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ખાંડ વર્ષ ૨૦૨૬માં ઈથેનોલ તરફ ફાળવણીમાં વધારો થવાની અપેક્ષા છે, આમ છતાં, ખાંડનો કલોઝિંગ સ્ટોક સાનુકૂળ સ્તરે રહેશે. 

Tags :