દેશમાં ઓકટોબરથી ડિસેમ્બર 2019 દરમ્યાન ખાંડનું ઉત્પાદન 30.22 ટકા ઘટયું : નિકાસમાં વૃધ્ધિ
- મહારાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં ખાંડની અમુક મિલોમાં શેરડી તથા લેબરની અછતના પગલે ખાંડનું ઉત્પાદન/ પિલાણ વહેલું આટોપી લેવામાં આવ્યું :
- ઘણી મિલો ઈથેનોલના ઉત્પાદન તરફ વળી
મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર
દેશમાં ખાંડનું ઉત્પાદન વર્તમાન ખાંડ મોસમ દરમિયાન ઓકટોબરથી ડિસેમ્બરના ૩ મહિનાના ગાળામાં ૩૦.૨૨ ટકા ઘટયું હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીએશને જણાવ્યું હતું. આ ૩ મહિનામાં ઉત્પાદન ૨૦૧૯માં ૩૦.૨૨ ટકા ઘટી ૭૭.૯૦ લાખ ટન થયું છે. જોકે ખાંડના એક્સ-મિલ ભાવો જળવાઈ રહ્યા છે. આ ૩ મહિનાના ગાળામાં દેશમાં કુલ ૧૩૭ ખાંડ મિલોમાં પિલાણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ૨૦૧૮માં આ ગાળામાં કુસ ૧૮૯ ખાંડ મિલોમાં આવી પિલાણ પ્રક્રિયા શરૂ થઈ હતી એવું એસોસીએશને જણાવ્યું હતું.
ખાંડના એક સક્રિય ભાવો ૨૦૧૯ના છેલ્લા ૩ મહિનામાં ઉત્તર ભારતમાં કિવ.ના રૂ.૩૨૫૦થી ૩૩૫૦ રહ્યા હતા. જ્યારે દક્ષિણ ભારતમાં આવા ભાવ રૂ.૩૧૦૦તી ૩૨૫૦ રહ્યા હતા. આ દરમિયાન ખાંડ મિલો દ્વારા શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવાની બાકી નિકળતી રકમની ચૂકવણી રાબેતા મુજબ કરાતી રહી છે.
દરમિયાન, દેશમાંથી ખાંડની નિકાસ સારી થઈ રહી છે. સરકારના મેકસીમમ એડમિસીબલ એક્સપોર્ટ કવોન્ટીટી ક્વોટા હેઠળ દેશની ખાંડ મિલોએ આશરે ૨૫ લાખ ટન ખાંડની નિકાસ કરવાના સોદા કર્યા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે શેરડીના ફેર એન્ડ રેમ્યુનરેટીવ ભાવ (એફઆરપી) ૨૦૧૯-૨૦ માટે વધારવાના બદલે જાળવી રાખ્યા છે. ઉપરાંત ઉત્તર-પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ વિ. રાજ્યોની સરકારોએ પણ શેરડીના આવા ભાવ વધારવાના બદલે જાળવી રાખતાં ખાંડના એક્સ-મિલ ભાવ જળવાઈ રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
૨૦૧૮માં ઓકટોબરથી ડિસેમ્બરના ૩ મહિનાના ગાળામાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૧૧.૭૦ લાખ ટન થયું હતું તે ૨૦૧૯ના આ ગાળામાં ઘટીને ૭૭.૯૦ લાખ ટનથયું છે. દરમિયાન ૨૦૧૯-૨૦ની વર્તમાન ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી ૨૬૦ લાખ ટન ખવાની શક્યતા તાજેતરમાં બતાવાઈ છે.
જ્યારે ૨૦૧૮-૧૯ની ખાંડ મોસમમાં ઉત્પાદન ૩૩૧.૬૦ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ઓકટો.થી ડિસે. ૨૦૧૯માં ઘટી ૧૬.૫૦ લાખ ટન થયું છે જે ૨૦૧૮ના આ ગાળામાં ૪૪.૫૦ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્રમાં શેરડીમાંથી ખાંડની થતી સરેરાશ રિકવરી ૧૦.૫૦ ટકાથી ઘટી ૧૦ ટકા નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે આ પૂર્વે શેરડીના ઉત્પાદનક વિસ્તારોમાં પાકને ફટકો પડયો હતો.
મહારાષ્ટ્રમાં અહમદનગર તથા ઔરંગાબાદ વિસ્તારમાં ખાંડની અમુક મિલોમાં તો શેરડી તથા લેબરની અછતના પગલે ખાંડનું ઉત્પાદન પિલાણ વહેલું આટોપી લેવામાં આવ્યાના પણ સમાચાર મળ્યા છે.
જોકે ઉત્તર-પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન પાછલા ૩ મહિનામાં ૩૧ લાખ ટનથી વધી ૩૩.૧૦ લાખ ટન થયું છે. ઘણી મિલો ઈથેનોલના ઉત્પાદન તરફ પણ વળી છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન ૨૧ લાખ ટનથી ઘટી ૧૬.૩૦ લાખ ટન ૩ મહિનામાં નોંધાયું છે.
આ ગાળામાં ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૨ લાખ ૭૫ હજાર ટન, બિહારમાં ૨ લાખ ૩૩ હજાર ટન, પંજાબમાં ૧ લાખ ૬૦ હજાર ટન, હરિયાણામાં ૧ લાખ ૩૫ હજાર ટન, ઉત્તરાખંડમાં ૧ લાખ ૬ હજાર ટન, મધ્ય-પ્રદેશમાં ૧ લાખ ટન, આંધ્રમાં ૯૬ હજાર ટન તથા તામિલનાડુમાં ૯૫ હજાર ટન ત્રણ મહિનાના ગાળામાં નોંધાયું છે.