ઉત્પાદન ક્ષેત્રની નબળી કામગીરી સામેે સર્વિસ સેક્ટરમાં મજબૂતાઈ

- ઓગસ્ટનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ વધી પાંચ મહિનાની ટોચે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ઉત્પાદન ક્ષેત્રની નબળી કામગીરી સામેે સર્વિસ સેક્ટરમાં મજબૂતાઈ 1 - image


મુંબઈ : ઓગસ્ટમાં દેશમાં એકતરફ ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટીને ત્રણ મહિનાના તળિયે રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ વધી પાંચ મહિનાની ટોચે પહોંચ્યો છે જે સેવા માટેની માગ ઊંચી રહેતી હોવાનું સૂચવે છે.

માગમાં સ્થિતિસ્થાપકતા અને ફુગાવાજન્ય દબાણો હળવા થતાં  એસએસબીસી ઈન્ડિયા સર્વિસીસ  પીએમઆઈ વધી ૬૦.૯૦ રહ્યો છે, જે જુલાઈમાં ૬૦.૩૦ હતો. વર્તમાન વર્ષના માર્ચ બાદ ઓગસ્ટનો પીએમઆઈ સૌથી ઊંચો છે. ઓગસ્ટ ૨૦૨૧થી સેવા ક્ષેત્રનો પીએમઆઈ સતત ૫૦ની ઉપર રહ્યા કરે છે. 

ઘરઆંગણેની બજારમાંથી નવા ઓર્ડરમાં વધારો થવાને કારણે પીએમઆઈ રહ્યો છે એમ જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા ક્ષેત્રમાં રોજગારનું સ્તર પણ મજબૂત રહેવા પામ્યું છે જો કે કર્મચારીઓની ભરતી જુલાઈની સરખામણીએ સાધારણ નીચી રહી છે.આંતરરાષ્ટ્રીય માગ પણ મજબૂત રહી છે, પરંતુ નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિની માત્રા ધીમી પડી છે જે વૈશ્વિક સ્તરે માગ નબળી પડી રહ્યાના સંકેત આપે છે. એકંદર આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું છે પરંતુ બિઝનેસ કોન્ફિડેન્સમાં ઘટાડો થયો છે. 

સેવા ક્ષેત્રથી વિપરીત ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટી ૫૭.૫૦ સાથે ત્રણ મહિનાના તળિયે રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં ઉત્પાદન કરતા સેવા ક્ષેત્રનો હિસ્સો ઊંચો છે. 

સેવા ક્ષેત્રમાં મુખ્યત્વે બેન્કિંગ, વીમા, રિઅલ એસ્ટેટ, ટેલિકમ્યુનિકેશન્સ, હેલ્થકેર, શિક્ષણ, પર્યટન તથા આઈટીનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News