શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463
- નિફટી સ્પોટ ૨૨૫ પોઈન્ટ તૂટીને ૨૪૮૩૭ : રોકાણકારોની સંપતિમાં રૂ.૬.૪૩ લાખ કરોડનું જંગી ધોવાણ
- ટ્રમ્પ ભારત પર આકરાં ટેરિફ લાગુ કરશે એવા સંકેત : શેરોમાં મોટા આઈપીઓ કૌભાંડની ચર્ચા
મુંબઈ : ભારતના યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પોઝિટીવ સમાચાર સામે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા થયા હોવાના અને ભારત પર આકરાં ૩૦થી ૩૫ ટકા ટેરિફ લાગુ કરી શકે છે એવા સંકેત અને બીજી તરફ દેશના પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ આઈપીઓ લાવીને નાણા ઉલેચી રહી હોઈ આગામી દિવસોમાં મોટા આઈપીઓ કૌભાંડનો પર્દાફાશ થવાની પણ બજારમાં ચર્ચા થવા લાગતાં ખરડાયેલા સેન્ટીમેન્ટમાં આજે મોટી ખાનાખરાબીની શરૂઆત થઈ ગઈ હતી. ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણ આવી રહ્યા હોઈ અને ઘણા ફંડો બજારમાં ઓવર વેલ્યુએશનની સ્થિતિ જોઈ રહ્યા હોઈ આજે અનેક શેરોમાં ગાબડાં પડતાં જોવાયા હતા. ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મોટી વેચવાલી કરી હતી. વિદેશી ફંડો-એફપીઆઈઝની જાણે કે ભારતીય બજારોમાંથી મોટાપાયે એક્ઝિટ થઈ રહી હોય એમ સતત વેચવાલી વધતી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ બેંકિંગ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૭૨૧.૦૮ પોઈન્ટ તૂટીને ૮૧૪૬૩.૦૯ અને નિફટી ૫૦ સ્પોટ ૨૨૫.૧૦ પોઈન્ટ ગબડીને ૨૪૮૩૭ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૯૨ પોઈન્ટ તૂટયો : ગ્રાઈન્ડવેલ રૂ.૧૧૭, ઝેનટેક રૂ.૯૦, ભેલ રૂ.૧૧ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરિંગ કરતાં વ્યાપક ગાબડાં પડયા હતા. ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૧૧૭.૫૫ તૂટીને રૂ.૧૬૪૪.૫૦, ઝેનટેક રૂ.૮૯.૫૦ તૂટીને રૂ.૧૭૭૬.૯૦, ભેલ રૂ.૧૦.૭૫ તૂટીને રૂ.૨૪૦.૧૫, ટીમકેન રૂ.૧૩૪.૪૫ તૂટીને રૂ.૩૩૮૨.૮૦, ટીટાગ્રહ રૂ.૩૦ તૂટીને રૂ.૮૭૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૯.૬૫ તૂટીને રૂ.૫૭૩.૩૫, સિમેન્સ રૂ.૯૦.૮૦ તૂટીને રૂ.૩૦૩૭.૫૫, થર્મેક્સ રૂ.૧૦૬.૨૦સ તૂટીને રૂ.૩૭૩૮.૨૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૨૬.૯૫ તૂટીને રૂ.૪૫૫૨.૮૫, મઝગાંવ ડોક રૂ.૭૩.૩૦ ઘટીને રૂ.૨૮૮૬.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૯૨.૧૮ પોઈન્ટ તૂટીને ૬૯૧૩૬.૧૧ બંધ રહ્યો હતો.
ઓટો ક્ષેત્રે હરીફાઈ વધશે : ઓટો શેરોમાં ફરી ગાબડાં : સોના બીએલડબ્યુ, મધરસન, બજાજ ઓટો ગબડયા
ચોમાસાની સારી પ્રગતિ છતાં ભારતના યુ.કે.સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બ્રિટનથી ભારતમાં વાહનોની સસ્તી આયાત થવાના અને એના પરિણામે સ્થાનિક મેન્યુફેકચરરો માટે હરિફાઈ તીવ્ર બનવાની શકયતાએ આજે ઓટો શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. અમેરિકા સાથે પણ ટ્રેડ ડિલ થવાની સાથે ભારતમાં વાહનોની આયાત વધવાની શકયતાએ ફંડો વેચવાલ રહ્યા હતા. સોના બીએલડબ્યુ રૂ.૨૧ તૂટીને રૂ.૪૬૯.૪૫, મધરસન રૂ.૨.૮૦ ઘટીને રૂ.૧૦૦.૩૦, બજાજ ઓટો રૂ.૨૨૩.૯૫ તૂટીને રૂ.૮૦૬૪.૦૫, એક્સાઈડ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૩૮૦.૬૫, ટાટા મોટર્સ રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૬૮૭.૩૦, હીરો મોટોકોર્પ રૂ.૭૨.૪૫ ઘટીને રૂ.૪૨૨૯.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૫૩.૮૫ ઘટીને રૂ.૧૨,૪૦૦.૨૫, એમઆરએફ રૂ.૧૭૩૬.૯૦ ઘટીને રૂ.૧,૪૯,૧૩૮.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૯૪.૪૦ પોઈન્ટ તૂટીને ૫૩૧૯૫ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સતત ધબડકો : ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૦૭ તૂટયો : ઝેગલ, ઈન્ફોબિન, તાન્લા તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના પરિણામો એકંદર નબળા આવતાં અને અમેરિકામાં ટ્રમ્પના ભારતીય આઈટી કંપનીઓ સામે ભરતી મામલે આકરાં વલણને લઈ આઈટી કંપનીઓ માટે પડકાર વધવાનાસંકેતે ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૦૭.૦૫ તૂટીને રૂ.૧૦૩૪.૭૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૨૨.૧૦ તૂટીને રૂ.૩૮૪, ઈન્ફોબિન રૂ.૨૯.૯૫ તૂટીને રૂ.૫૬૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૭.૫૫ તૂટીને રૂ.૬૪૮.૮૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૪૧૩.૦૫, લેટેન્ટ વ્યુ રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૪૧૩.૨૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૩૪.૪૦ તૂટીને રૂ.૮૬૦૪.૦૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૭૯૫.૪૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૦.૫૦ ઘટીને રૂ.૩૨૨.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૮૮.૦૫ પોઈન્ટ તૂટીને ૩૫૧૦૦.૯૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો વેચવાલ : કલ્યાણ જવેલર્સ, હવેલ્સ ઈન્ડિયા, બર્જર પેઈન્ટ ગબડયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે મોટી વેચવાલી શરૂ કરી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૯.૫૦ તૂટીને રૂ.૫૯૩.૮૦, બર્જર પેઈન્ટસ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૫૫૮.૬૫, વોલ્ટાસ રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૧૩૧૪.૮૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૭.૭૫ ઘટીને રૂ.૧૫૨૪.૨૫, ક્રોમ્પ્ટન રૂ.૫.૩૦ ઘટીને રૂ.૩૨૮.૮૦, ટાઈટન રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૩૪૫૯.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૫૪.૯૩ પોઈન્ટ તૂટીને ૫૯૫૬૩.૪૯ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ફંડો : અદાણી ગેસ, એચપીસીએલ, આઈઓસીમાં વેચવાલી
ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આજે તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો. અદાણી ટોટલ ગેસ રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૬૨૪.૨૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૨૦૧.૧૦, એચપીસીએલ રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૪૨૨.૨૫, આઈઓસી રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૪૭, બીપીસીએલ રૂ.૮.૭૦ ઘટીને રૂ.૩૩૨.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૮૧.૪૨ પોઈન્ટ તૂટીને ૨૭૦૨૮.૫૦ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની સતત વેચવાલી : આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ ઘટયા
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં ફંડોએ સતત વેચવાલી કરી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૧૯ ઘટીને રૂ.૭૦.૭૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૫૫ ઘટીને રૂ.૮૨૩.૭૦, ફેડરલ બેંક રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૦૭.૯૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૩૫ ઘટીને રૂ.૨૪૩.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૯૮.૬૮ પોઈન્ટ તૂટીને ૬૩૦૪૩.૧૩ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ શેરોમાં પૈસાલો રૂ.૨.૮૭ તૂટીને રૂ.૩૨.૫૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૬.૭૪ તૂટીને રૂ.૧૦૮.૬૨, કેફિનટેક રૂ.૬૮.૧૫ ઘટીને રૂ.૧૧૬૪.૩૫, બજાજ ફાઈનાન્સના નફામાં વૃદ્વિ છતાં પ્રોવિઝન વધતાં જેપી મોર્ગને શેરને ડાઉનગ્રેડ કરતાં રૂ.૪૫.૩૫ ઘટીને રૂ.૯૧૩.૬૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : વિમતા લેબ્સ, સોલારા, સિપ્લા, ટોરન્ટ ફાર્મા, સિન્જેન, અપોલો વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે સતત સિલેક્ટિવ શેરોમાં ખરીદી જળવાઈ હતી. વિમતા લેબ્સ રૂ.૭૯ વધીને રૂ.૫૮૪.૭૫, સોલારા રૂ.૩૮.૪૫ વધીને રૂ.૬૯૫.૮૦, સિપ્લા રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૫૩૧.૧૦, ટોરન્ટ ફાર્મા રૂ.૮૬.૬૦ વધીને રૂ.૩૬૦૨.૫૦, સિન્જેન રૂ.૧૧.૩૫ વધીને રૂ.૬૮૦.૭૫, અપોલો હોસ્પિટલ રૂ.૧૦૩.૯૫ વધીને રૂ.૭૪૬૯.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૧.૭૪ પોઈન્ટ વધીને ૪૫૩૩૮.૬૭ બંધ રહ્યો હતો.
ફંડો, ઓપરેટરોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ : ૨૯૬૯ શેરો નેગેટીવ બંધ
અપેક્ષા મુજબ બજારમાં આજે મોટી ખાનાખરાબી શરૂ થઈ ગઈ હતી. સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ધૂમ વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૬૯ અને વધનારની ૧૦૬૧ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૪૩ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૧.૬૭ લાખ કરોડ રહી
નિફટી, સેન્સેક્સ બેઝડ કડાકા સાથે અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો વેચવાલ બનતાં અને બજારમાં ગભરાટ વધતાં હેમરિંગ વધતાં રોકાણકારોની સંપતિ પણ એટ લે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૪૩ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૧.૬૭ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૧૯૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૧૩૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૯૭૯.૯૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૮૩૧.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૧૧.૭૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૧૩૮.૫૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૮૬.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૬૪૮.૦૬ કરોડની વેચવાલી કરી હતી.