Get The App

યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454

- નિફટી સ્પોટ ૨૬૬ પોઈન્ટ તૂટીને ૨૪૦૦૮ : રોકાણકારોની સંપતિમાં રૂ.૨.૧૦ લાખ કરોડનો ઘટાડો

- સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓછા વોલ્યુમે વ્યાપક ગાબડાં : ડિફેન્સ-ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 1 - image


મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ વકરતાં અને હવે યુદ્વની સ્થિતિ વધુ ગંભીર બનવાના સંકેતો વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, ઈન્વેસ્ટરોએ તેજીના વેપારથી દૂર રહી શેરોમાં મળતાં નફાને ઘરભેગો કરીને કેશ ઓન હેન્ડનો વ્યુહ અપનાવતાં ઘણા શેરોમાં ગાબડાં પડયા હતા. ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટતાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. યુદ્વના ટેન્શન અને વૈશ્વિક મોરચે અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ ડિલ થયા બાદ હવે ચાઈના સાથે અમેરિકાની મહત્વની ડિલ થવાના સંકેતોએ પણ ફંડોએ ભારતીય બજારોમાં પોઝિશન હળવી કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ પૂર્ણ યુદ્વમાં પરિવર્તિત થવાના સ્પષ્ટ સંકેતે પણ ફંડો, ઈન્વેસ્ટરોએ રાતવાસો નહીં કરવાનો વ્યુહ અપનાવી વેચવાલી કરી હતી. કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ ફંડોની તેજી અને ટાઈટન પાછળ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ સામે બેંકિંગ અને ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં મોટું ધોવાણ થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાયો હતો. સેન્સેક્સ ૮૮૦.૩૪ પોઈન્ટ તૂટીને ૮૮૦.૩૪ અને નિફટી સ્પોટ ૨૬૫.૮૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૦૮ બંધ રહ્યા હતા.

આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૭ તૂટીને રૂ.૧૩૮૯ : શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી બેંકમાં ધોવાણ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૪૧.૧૦ પોઈન્ટ તૂટીને ૬૧૧૦૦.૭૩ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૫.૨૫ તૂટીને રૂ.૧૩૮૮.૭૦, એચડીએફસી બેંક રૂ.૩૭.૧૦ ઘટીને રૂ.૧૮૮૯.૨૦, એક્સિસ બેંક રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૧૧૫૪.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૮૫ ઘટીને રૂ.૮૧૭.૫૦ રહ્યા હતા. ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં મુથુટ માઈક્રોફિન રૂ.૧૮.૧૦ તૂટીને રૂ.૧૨૮, સૂર્યોદય રૂ.૭.૮૦ તૂટીને રૂ.૧૧૫, ચૌલા હોલ્ડિંગ રૂ.૧૦૧.૩૦ તૂટીને રૂ.૧૭૨૪.૭૦, એમસીએક્સ રૂ.૩૨૬.૯૫ તૂટીને રૂ.૫૬૭૨.૩૦, મોબીક્વિક રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૨૩૧.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૯.૧૫ ઘટીને રૂ.૨૪૬, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૬૮૬.૫૦ ઘટીને રૂ.૨૧,૯૬૦ રહ્યા હતા.

લાર્સનની આગેવાનીએ ફંડોની કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૩૨ પોઈન્ટ ઉછળ્યો

લાર્સન એન્ડ ટુબ્રોનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૫ ટકા વધીને રૂ.૫૪૯૭ કરોડ થતાં અને શેર દીઠ રૂ.૩૪ ડિવિડન્ડ આકર્ષણે સાથે નાણા વર્ષ ૨૦૨૬ માટે પોઝિટીવ આઉટલૂક અને કંપનીને આગામી દિવસોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઓર્ડરોની અપેક્ષાએ ફંડોની ઘટયામથાળેથી મોટી ખરીદી નીકળી હતી. લાર્સન રૂ.૧૨૫.૧૦ વધીને રૂ.૩૪૪૫.૭૦, ભારત ડાયનામિક્સ રૂ.૭૭.૬૫ વધીને રૂ.૧૫૩૧.૧૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૭૦ વધીને રૂ.૫૪૪૩.૪૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૮૧.૪૫ વધીને રૂ.૪૫૦૦.૯૦, સિમેન્સ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૨૮૬૩.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૩૧.૫૮ પોઈન્ટ ઉછળીને ૬૨૮૫૨.૨૧ બંધ રહ્યો હતો.

ટાઈટનમાં આકર્ષણે રૂ.૧૪૭ વધીને રૂ.૩૫૧૧ : કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૨૬ પોઈન્ટ વધ્યો

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ટાઈટન કંપનીમાં આકર્ષણે શેર રૂ.૧૪૭.૩૫ વધીને રૂ.૩૫૧૦.૮૦ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૮.૦૫ વધીને રૂ.૫૧૯.૩૫, વોલ્ટાસ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૨૩૫.૭૫, હવેલ્સ રૂ.૧૩.૪૫ વધીને રૂ.૧૫૪૭.૬૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૩૪૮૭.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૨૫.૯૯ પોઈન્ટ ઉછળીને ૫૬૮૪૦.૪૨ બંધ રહ્યો હતો.

ક્રુડ ઉછળતાં અને યુદ્વના જોખમ વચ્ચે રિલાયન્સ રૂ.૨૭ ઘટીને રૂ.૧૩૭૭ : ગેઈલ, અદાણી ગેસ ઘટયા

યુદ્વનું જોખમ વધતાં એક તરફ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવીને બ્રેન્ટના ૧.૧૯ ડોલર ઉછળી ૬૪.૦૩ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૧.૨૪ ડોલર વધીને ૬૧.૧૫ ડોલર થઈ જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત બનતાં નેગેટીવ અસર જોવાઈ હતી. પાકિસ્તાનના ભારતની ગુજરાત સરહદો પર પણ હુમલાના પ્રયાસ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જામનગર રિફાઈનરી સંકુલ પર પણ જોખમ રહેતાં સાવચેતીમાં શેરમાં વેચવાલીએ રૂ.૨૭.૧૦ ઘટીને રૂ.૧૩૭૭.૭૫ રહ્યો હતો. ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૮૧.૭૦, અદાણી ટોટલ ગેસ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૬૦૨.૬૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧૩૯.૯૫ રહ્યા હતા.

ફુગાવો વધવાનું જોખમ : એફએમસીજી, સુગર શેરોમાં પીછેહઠ : બન્નારી અમાન, પરાગ મિલ્ક ઘટયા

દેશમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે નુકશાનીની શકયતાએ દેશમાં અન્ન ફુગાવો ફરી વધવાનું જોખમ ઊભું થતાં એફએમસીજી, સુગર શેરોમાં વેચવાલી રહી હતી. બન્નારી અમાન સુગર રૂ.૧૪૮ ઘટીને રૂ.૩૮૫૯.૦૫, સસ્તા સુંદર રૂ.૩.૦૧ ઘટીને રૂ.૮૪.૨૦, રેણુકા સુગર ૮૨ પૈસા ઘટીને રૂ.૨૭.૪૧, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૭.૦૫ ઘટીને રૂ.૬૩૦૬.૫૦, બલરામપુર ચીની રૂ.૧૩.૪૦ ઘટીને રૂ.૫૨૫.૮૦, પરાગ મિલ્ક ફૂડ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૯૦.૬૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૦૫.૦૫ ઘટીને રૂ.૭૭૮૩, આઈટીસી લિ. રૂ.૬.૪૫ ઘટીને રૂ.૪૨૩.૯૦ રહ્યા હતા.

ડિફેન્સ, ઓટો શેરોમાં ભારત ફોર્જ રૂ.૫૨, ટાટા મોટર્સ રૂ.૨૭, પ્રીમિયર એક્સપ્લોઝિવ રૂ.૭૪ ઉછળ્યા

ડિફેન્સ પ્લે સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રે સક્રિય કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ભારત ફોર્જ રૂ.૫૨.૦૫ વધીને રૂ.૧૧૬૬.૦૫, ટાટા મોટર્સ રૂ.૨૬.૬૦ વધીને રૂ.૭૦૮.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૫૧.૯૦ વધીને રૂ.૩૮૫૪.૩૦, પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ રૂ.૭૪.૪૫ ઉછળીને રૂ.૪૭૬.૬૫, પારસ ડિફેન્સ રૂ.૭૫.૩૦ વધીને રૂ.૧૪૩૬.૦૫, અશોક લેલેન્ડ રૂ.૧.૮૫ વધીને રૂ.૨૨૧.૭૦, બોશ રૂ.૪૨.૪૫ વધીને રૂ.૩૦,૦૦૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓછા વોલ્યુમે શેરોમાં ગાબડાં : માર્કેટબ્રેડથ સતત ખરાબ : ૨૫૨૨ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઓછા વોલ્યુમે ઘણા શેરોમાં ગાબડાં પડતા માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૪૩ અને ઘટનારની સંખ્યા ૨૫૨૨ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૬.૪૦ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓછા વોલ્યુમે ગાબડાં પડયા સાથે એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૧૦  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૬.૪૦ લાખ કરોડ રહ્યું હતું.

Tags :