સેન્સેક્સ આજે 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24700 પાર, બૅન્કિંગ-આઇટી શેર્સમાં તેજી
Stock Market Today: શેરબજારમાં ગઈકાલે 1300 પોઇન્ટનો કડાકો નોંધાયા બાદ આજે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 500 પોઇન્ટ ઉછળ્યો હતો. 10.10 વાગ્યે 475.25 પોઇન્ટ છળી 81624 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 પણ 165.10 પોઇન્ટના ઉછાળે 24700ના મજબૂત લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. બીએસઈ ખાતે 10.11 વાગ્યા સુધીમાં 145 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 42 શેર 52 વીક હાઇ થયા હતા.
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
ભારત-પાકિસ્તાન સીઝફાયર, રિટેલ મોંઘવારીમાં ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે શેરબજારને વેગ મળ્યો છે. બીએસઈ ખાતે ઓપનિંગ સેશનમાં ટ્રેડેડ 3379 શેર પૈકી 2535માં સુધારો અને 744 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં પણ 23 શેર ગ્રીન ઝોનમાં અને 7 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ VIX પણ 4.55% તૂટી 17.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ તમામ પરિબળો માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે.
વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા
એપ્રિલમાં રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધી છે. આરબીઆઇ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી છે. વધુમાં વૈશ્વિક સ્તરે પણ જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થયો છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે. ફાર્મા સિવાય તમામ સેક્ટોરલ ઇન્ડાઈસિસ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં આઇટી, બૅન્કિંગ શેર્સમાં મોટાપાયે વોલ્યુમ નોંધાયા છે.