ટ્રમ્પની ટેરિફ ધમકીની કોઈ અસર નહીં! શેરબજારમાં રકાસ અટક્યો, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી
Stock Market Today: શેરબજારમાં ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ધમકીની આજે નહિંવત્ત અસર જોવા મળી છે. માર્કેટ સુધારા તરફી ખૂલ્યા બાદ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યું છે. સેન્સેક્સ 596.10 પોઈન્ટના ઉછાળે તો નિફ્ટી 203.10 પોઈન્ટ સુધરી 22285.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેક ખાતે ફાઈનાન્સ અને બેન્કિંગ સિવાય 24 શેર 4 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં આજે છ લાખ કરોડનો સુધારો થયો છે.
સાર્વત્રિક લેવાલીનો માહોલ
શેરબજારમાં છેલ્લા નવ માસની તુલનાએ સૌથી લાંબી મંદી ફેબ્રુઆરીમાં જોવા મળી હતી. આ મંદી બાદ આજે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયાલ્ટી, પીએસયુ, પાવર શેરોમાં નીચા મથાળે મોટાપાયે લેવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા છે. આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ પણ 1.96 ટકા, અને 1.64 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
એફએન્ડઓ એક્સપાયરી હવેથી સોમવારે
નેશનલ સ્ટોક એક્સચેન્જે નિફ્ટી, બેન્ક નિફ્ટી, ફાઈનાન્સ નિફ્ટી, નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી મીડકેપ માટે એફએન્ડઓ એક્સપાયરી ડે ગુરૂવારથી બદલી સોમવાર કર્યો છે. ગઈકાલે જારી કરેલા સર્ક્યુલર અનુસાર, 4 એપ્રિલ, 2025થી મંથલી એફએન્ડઓ એક્સપાયરી મહિનાનો છેલ્લો સોમવાર રહેશે.
218 શેરમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3793 શેર પૈકી 2983માં સુધારા અને 685 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 218 શેરમાં અપર સર્કિટ વાગી છે. જ્યારે 36 શેર વર્ષની ટોચે પહોંચ્યા છે. બીજી તરફ 157 શેરમાં લોઅર સર્કિટ અને 157 શેર વર્ષના તળિયે નોંધાયા હતા. એનએસઈની એક્સપાયરી ડેમાં ફેરફારની જાહેરાતથી બીએસઈનો શેર મોર્નિંગ સેશનમાં 9 ટકા તૂટ્યો હતો.