શેરબજાર તૂટવાના ત્રણ કારણો... સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ
Stock Market Today: વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર માટે આ સપ્તાહ અત્યારસુધી નિરાશાજનક રહ્યું છે. સેન્સેક્સ આજે વધુ 500 પોઈન્ટ સુધી તૂટ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. સેન્સેક્સ આજના ટ્રેડિંગ સેશન પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યો છે. 11.11 વાગ્યે 491.15 પોઈન્ટ તૂટી 81610.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં 20 શેર્સ 2 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 10માં 1.46 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. 11.13 વાગ્યે નિફ્ટી 119 પોઈન્ટ તૂટી 25050.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બેન્કિંગ અને આઈટી શેર્સમાં કડાકો
ટ્રમ્પ દ્વારા એચ1બી વિઝા ફીમાં વધારો તેમજ રેટ કટની અપેક્ષાએ બેન્કિંગ અને આઈટી શેર્સમાં કડાકો નોંધાયો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાંથી એફઆઈઆઈ વેચવાલી નોંધાવી રહ્યા હોવાના અહેવાલ છે. જેના પગલે આજે બીએસઈ આઈટી ઈન્ડેક્સ 300 પોઈન્ટ તૂટ્યો હતો. બેન્કિંગ ઈન્ડેક્સ પણ 463 પોઈન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ 'પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો...' UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું
શેરબજારમાં કડાકા પાછળના કારણોઃ
યુએસ વિઝા ફીમાં વધારોઃ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા વિઝા ફીમાં વધારો તેમજ એચ1બી વિઝા ફાળવણી માટે પગાર આધારિત સિસ્ટમ ઉભી કરવાના પ્રસ્તાવથી ચિંતા વધી છે. જેના લીધે ભારતીય આઈટી સર્વિસને માઠી અસર થવાની ભીતિ છે. તદુપરાંત અન્ય સ્કિલ્ડ પ્રોફેશનલ્સની માગ ઘટવાની આશંકા છે.
એફઆઈઆઈ વેચવાલીઃ વિદેશી રોકાણકારો રેટ કટ, અને વિઝા ઈફેક્ટના કારણે ભારતીય શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ગઈકાલે એફઆઈઆઈએ રૂ. 3551.19 કરોડની વેચવાલી નોંધાવી હતી.
વૈશ્વિક બજારોની અસરઃ ફેડ રેટ કટ તેમજ અમેરિકામાં મોંઘવારી વધવાની ભીતિ વચ્ચે વૈશ્વિક બજારો તૂટ્યા છે. વધુમાં ટ્રમ્પની ટેરિફ નીતિથી પણ વૈશ્વિક વેપારનું ચિત્ર ખરડાયું છે. વૈશ્વિક બજારોના સથવારે ભારતીય શેરબજારમાં પણ પ્રેશર જોવા મળ્યું છે.
ક્રૂડના ભાવ વધ્યાઃ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર છેલ્લા કેટલાક દિવસ સુધી ઘટ્યા બાદ હવે સુધરી રહ્યું છે. આજે 0.20 ટકા વધી 67.82 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું. ક્રૂડના ઊંચા ભાવો ભારત પર અસર કરે છે.
રૂપિયો ઓલટાઈમ લૉઃ ડોલર સામે રૂપિયો 7 પૈસા તૂટી 88.80ની ઓલટાઈમ લૉ સપાટીએ પહોંચ્યો છે. ફંડની વેચવાલી, ટેરિફ સંબંધિત ચિંતાઓ અને અમેરિકાની ઊંચી વિઝા ફીના કારણે રૂપિયો નબળો પડ્યો છે.
ફેડ રેટ કટઃ યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે અમેરિકામાં મોંઘવારી વધવાની ભીતિ વ્યક્ત કરતાં વ્યાજના દરોમાં ઘટાડાની જરૂરિયાત દર્શાવી હતી. યુએસમાં ફુગાવો અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. યુએસ મોનેટરી પોલિસી આકરી થવાની ભીતિ વચ્ચે વિદેશી રોકાણકારો ઉભરતા બજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે.