Stock Market News : 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા જ આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 570 પોઇન્ટના ઘટાડા સાથે 81770ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 156 પોઇન્ટ તૂટીને 25186 પર પહોંચી ગઈ છે. બૅંક નિફ્ટીમાં પણ 168 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 23 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં મારુતિ અને ઇન્ડિગો જેવા શેરોમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
શા માટે તૂટ્યું શેરબજાર?
બજારમાં આ ઘટાડા પાછળ નિષ્ણાતો ત્રણ મુખ્ય કારણો ગણાવી રહ્યા છે.
પ્રથમ કારણ : વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલી (Profit Booking).
બીજું કારણ : રૂપિયાનું ઐતિહાસિક સ્તરે પહોંચેલું અવમૂલ્યન છે; ડૉલર સામે રૂપિયો 92ના સ્તરને પાર કરી ગયો છે.
ત્રીજું કારણ : આગામી બજેટને લઈને રોકાણકારોમાં જોવા મળી રહેલી સાવચેતી છે, જેના કારણે તેઓ જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે.
સેક્ટર મુજબની સ્થિતિ અને લોકપ્રિય શેરોમાં ગાબડાં
બજારમાં આજે ઓટો, FMCG, હેલ્થકેર, આઇટી અને પ્રાયવેટ બૅંક સેક્ટરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વ્યક્તિગત શેરોની વાત કરીએ તો હેરિટેજના શેરમાં 8%થી વધુનો કડાકો બોલી ગયો છે. આ ઉપરાંત મોતીલાલ ઓસવાલ ફાયનાન્સમાં 5%, ફાઇવ સ્ટાર બિઝનેસમાં 5.55% અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં 3%થી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે, ટાટા સ્ટીલ અને NTPC જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં 2% જેટલો ઉછાળો પણ જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિમાં મસમોટું ધોવાણ
BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાને કારણે સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોને મોટી અસર થઈ છે. બુધવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન 459 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું, જે ગુરુવારે ઘટીને 457 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આમ, માત્ર એક જ દિવસના આ કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.


