સતત બીજા દિવસે શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3.6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
ગઈકાલે પણ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો
Stock Market: એક તરફ જ્યાં કેનેડા અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ વધતી જઈ રહી છે ત્યારે બીજી બાજુ શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ રહ્યો છે. ગઈકાલે મોટો કડાકો થયા બાદ આજે પણ શેરબજારમાં 600 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. બપોરના દોઢ વાગ્યા સુધીમાં સેન્સેક્સ (Sensex)માં 600 પોઈન્ટના ઘટાડા બાદ નિફ્ટી (Nifty)માં પણ 160 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. આ ઘટાડાને લીધે શેરબજારમાં રોકાણ કરનારાઓને 1.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો
આજે સતત બીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બપોરના 1.30 વાગ્યા સુધીમાં BSEના 30 શેરનો સેન્સેક્સ ઈન્ડેક્સ 608.53 પોઈન્ટ અથવા 0.91 ટકાના ઘટાડા સાથે 66,192.31ના સ્તરે જ્યારે NSEનો નિફ્ટી ઈન્ડેક્સ 167.50 પોઈન્ટ અથવા 0.84 ટકાના ઘટાડા સાથે 19,733.90ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ગઈકાલે પણ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
રોકાણકારોએ આટલી સંપત્તિ ગુમાવી દીધી
શેરબજારમાં બે દિવસમાં આવેલા ઘટાડામાં રોકાણકારોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશન પર નજર કરીએ તો બે દિવસ પહેલા BSE MCap રુપિયા 323.01 લાખ કરોડ હતા જે બુધવારે ઘટીને રુપિયા 320.51 લાખ કરોડ થઈ ગયા હતા. આજે અત્યાર સુધી નોંધાયેલા ઘટાડા બાદ આ ઘટીને 319.41 કરોડ રુપિયા થઈ ગયો છે. આ હિસાબે રોકાણકારોને માત્ર બે દિવસમાં જ 3.6 લાખ કરોડનું નુકસાન થયું છે.