મુંબઈ : આગામી નાણાં વર્ષ માટેનું કેન્દ્રીય બજેટ ૧લી ફેબુ્રઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિવિધ ઉદ્યોગો દ્વારા બજેટમાં રાહત મળી રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
દેશનો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ખર્ચના દબાણમાં ઘટાડો થાય, માગને ટેકો મળી રહે તથા વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ મજબૂત બને તે માટે સરકાર તરફ હકારાત્મક પગલાંની આશા રાખી રહ્યો છે.
સોનાના ઊંચા ભાવ, વૈશ્વિક પૂરવઠા સાંકળમાં ફેરબદલ તથા વધી રહેલા વેપાર અવરોધોને ધ્યાનમાં રાખી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માને છે કે, નિશ્ચિત નીતિવિષયક ટેકા ઉદ્યોગના વિકાસ, નિકાસ તથા રોજગાર પર અર્થપૂર્ણ અસર કરી શકે છે. ઉદ્યોગ માટે આવશ્યક એવા કાચા માલ જેમ કે સોના, ચાંદી, પ્લેટિનમ તથા રંગીન રત્નો પર ઈમ્પોર્ટ ડયૂટીને વ્યવહારીક બનાવવામાં આવે તેવી અમારી અપેક્ષા હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.ઉદ્યોગ કાચા માલ માટે આયાત પર નિર્ભર કરતો હોવાથી ઊંચી ડયૂટીને કારણે ઉત્પાદન ખર્ચ ઊંચો રહે છે અને નિકાસ સ્પર્ધાત્મકતા ઘટાડે છે.
હાલના ડયૂટી માળખાને વ્યવહારિક બનાવાશે તો, કાચા માલના ખર્ચમાં ઘટાડો થશે અને નિકાસકારો માટે ભાવતાલની ક્ષમતામાં વધારો કરાવશે અને ભારતના જ્વેલરી નિકાસકારો વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બની શકશે.
આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા કસ્ટમ પ્રક્રિયાને સરળ બનાવવાની પણ માગણી કરવામાં આવી છે જેથી ઢીલને ટાળી શકાય અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થાય.
સોનાચાંદી પર હાલમાં જીએસટી જે ત્રણ ટકા છે તે ઘટાડી એકથી સવા ટકો કરાશે તો, વેચાણમાં વૃદ્ધિને ટેકો મળશે એમ સ્થાનિક ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.


