મુંબઈ : દેશના સ્ટીલ ઉદ્યોગને રાહત આપવા કેન્દ્ર સરકારે ચોક્કસ પ્રકારના સ્ટીલની આયાત પર ત્રણ વર્ષ માટે સેફગાર્ડ ડયૂટી લાગુ કરવાના લીધેલા નિર્ણયથી ઘરઆંગણેની સ્ટીલ તથા તેની સાથે સંકળાયેલી કંપનીઓ આગામી એક-સવા વર્ષમાં વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા રૂપિયા ૩૮૦૦ કરોડથી રૂપિયા ૪૦૦૦ કરોડ જેટલુ ભંડોળ ઊભુ કરશે તેવી શકયતા જણાય છે.
સસ્તી આયાતને કારણે ઘરઆંગણેના સ્ટીલ ઉત્પાદકોએ સ્થાનિક બજારમાં સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હતો. સેફગાર્ડ ડયૂટીને કારણે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને ટૂંકા ગાળે ભાવ મોરચે લાભ થવાની આશા છે. સેફગાર્ડ ડયૂટીને કારણે સ્ટીલ તથા તેને સંલગ્ન કંપનીઓના ભંડોળ ઊભા કરવાની યોજના ફરી સક્રિય થશે જે અગાઉ મંદ માગને કારણે મોકૂફ રાખવાની ફરજ પડી હતી એમ સ્ટીલ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
સેફગાર્ડ ડયૂટીને કારણે ભાવમાં શિસ્તતા જોવા મળશે જે ઉદ્યોગમાં રોકાણકારોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં મદદ કરશે. જે સ્ટીલ કંપનીઓ ખર્ચની દ્રષ્ટિએ સક્ષમ છે, પ્રોડકટસમાં વૈવિધ્યતા ધરાવે છે અને જેમની બેલેન્સ શીટસ મજબૂત છે તેઓ મૂડી બજારમાં પ્રવેશવા માટે સારી સ્થિતિમાં હોવાનું કહી શકાય.
આઈપીઓની સંખ્યા મોટી છે અને એક ડઝનથી વધુ સ્ટીલ અને તેને સંલગ્ન કંપનીઓ લિસ્ટિંગ પ્રક્રિયાના વિવિધ તબક્કામાં છે એમ એક મરચંટ બેન્કરના સુત્રોએ જણાવ્યું હતું. મેઈનબોર્ડ ઉપરાંત એસએમઈ સેગમેન્ટમાં પણ સ્ટીલ કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને યોગ્ય સમયે બજારમાં પ્રવેશ કરવાની રાહ જોઈ રહી છે.
મેઈનબોર્ડ તથા એસએમઈ સેગમેન્ટની મળીને આ કંપનીઓ એકત્રિત રીતે રૂપિયા ૪૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવા યોજના ધરાવે છે, એમ સુત્રોએ ઉમેર્યું હતું. ઊભા કરાનારા ભંડોળનો ઉપયોગ કંપનીઓ ક્ષમતા વિસ્તરણ, બેલેન્સ શીટસ મજબૂત કરવા તથા ઈન્ટીગ્રેશનને જોરદાર બનાવવા માટે કરવા ધારે છે.
સમાપ્ત થયેલા વર્ષના અંતે કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ભારતે ત્રણ વર્ષ માટે ૧૨ ટકા સુધી ટેરિફ લાગુ કરી છે. ઘરઆંગણે સસ્તા સ્ટીલની થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી થતી આયાત પર અંકૂશ મૂકવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો છે. સેફગાર્ડ ડયૂટી તરીકે ઓળખાતી આ ડયૂટી પહેલા વર્ષમાં ૧૨ ટકા, બીજા વર્ષમાં ૧૧.૫૦ ટકા અને ત્રીજા વર્ષમાં ૧૧ ટકા વસૂલવામાં આવશે એમ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવાયું હતું. જો કે આ ડયૂટી ચીન, નેપાળ તથા વિયેતનામ ખાતેથી આયાત થતા સ્ટીલ પર વસૂલવામાં આવશે.


