Get The App

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ નથી!

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ નથી! 1 - image

Indian Currency: ભારતીય અર્થતંત્રમાં હાલ બે પરસ્પર વિરોધી પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેણે મોટા ગજાના અર્થશાસ્ત્રીઓને પણ મુંઝવણમાં મૂકી દીધા છે. એક તરફ ડિજિટલ પેમેન્ટ્સ દર મહિને નવા રૅકોર્ડ સર્જી રહ્યા છે. તો બીજી તરફ રોકડનો વપરાશ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.

કુલ ચલણના 97.6% તો લોકોના ખિસ્સા-તિજોરીમાં 

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં કુલ ચલણી નોટો રૂ. 40 લાખ કરોડની ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે. જે ગત વર્ષની તુલનામાં 11.1%નો વધારો દર્શાવે છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, આમાંથી રૂ. 39 લાખ કરોડ તો લોકો પાસે રોકડ છે. એટલે કે કુલ ચલણના લગભગ 97.6% નાણું લોકોના ખિસ્સામાં, તિજોરીમાં કે ઘરોમાં પડ્યું છે.

ડિજિટલ બૂમ વિરુદ્ધ કેશનો ઉછાળો, એક કોયડો

'ડિજિટલ ઇન્ડિયા'ના આ સમયમાં જ્યાં પાનના ગલ્લે 5 રૂપિયા પણ QR કોડ સ્કેન કરીને ચૂકવાય છે, ત્યાં રૂ. 40 લાખ કરોડની રોકડની હાજરી એક કોયડા સમાન છે. આંકડા કહે છે કે UPI ટ્રાન્ઝેક્શન દર મહિને રૂ. 28.3 લાખ કરોડને વટાવી ગયા છે, જે કુલ રોકડ ચલણના લગભગ 70% જેટલા છે. તર્ક એવો પણ છે કે ડિજિટલ વ્યવહાર વધે તો રોકડ ઘટે, પણ ભારતમાં ચિત્ર ઉલટું છે. જો કે, આમાં એક આશાસ્પદ પાસું પણ છે: ભારતનો ‘કેશ ટુ જીડીપી’ રેશિયો 14.4%થી ઘટીને 11% થયો છે. જેનો અર્થ છે કે અર્થતંત્રના વિકાસની તુલનામાં રોકડનો વ્યાપ અંકુશમાં છે.

ભારતીયોને હજુ પણ કેમ રોકડ પર જ ભરોસો છે?

રોકડના વધતાં વપરાશ પાછળ કેટલાક મહત્ત્વના કારણો જવાબદાર છે. જેમ કે... 

ટેક્સ નોટિસનો ડર: જુલાઈ 2025માં કર્ણાટકના અંદાજે 18,000 નાના વેપારીઓને તેમના UPI રૅકોર્ડના આધારે GST નોટિસ ફટકારાઈ હતી. આ ઘટના બાદ ઘણા વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ લેવાનું બંધ કરી ફરીથી રોકડનો આગ્રહ રાખવાનું શરુ કર્યું છે.

વ્યાજ દરો અને સુરક્ષા: બૅંકોમાં મળતાં નીચા વ્યાજ દરને કારણે ઘણાં લોકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, નાણાં બૅંકમાં રાખવાને બદલે હાથ પર રાખવાનું વધુ સુરક્ષિત અને અનુકૂળ માને છે.

ગ્રામીણ ભારતની માનસિકતા: આજે પણ ભારતના મોટા ભાગના ગામડાંમાં રોકડને જ સાચી 'આર્થિક શક્તિ' અને સુરક્ષા મનાય છે.

આ પણ વાંચો: Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં

ચલણમાં રૂ. 500ની નોટનું વર્ચસ્વ

રૂ. 2000ની નોટો પાછી ખેંચાયા બાદ હવે રૂ. 500ની નોટ ભારતીય કરન્સી સિસ્ટમની કરોડરજ્જુ બની ગઈ છે. હાલમાં કુલ રોકડ ચલણના મૂલ્યમાં રૂ. 500ની નોટોનો હિસ્સો લગભગ 86% છે. આ સાથે જ RBI એ બૅંકોને ATMમાં રૂ. 100 અને રૂ. 200ની નોટોની ઉપલબ્ધતા વધારવા સૂચના આપી છે, જેથી લોકોને છૂટા પૈસાની તકલીફ ન પડે.

નોંધનીય છે કે, ભારત ભલે કેશલેસ ઈકોનોમી તરફ ડગ માંડી રહ્યું હોય, પરંતુ આ રિપોર્ટ સાબિત કરે છે કે ભારતીય બજારમાં આજે પણ 'કેશ ઇઝ કિંગ' છે.