Get The App

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા

- ડોલર-રૂપિયાનો એકસચેન્જ રેટ જાળવી રખાયો: ક્રુડ તેલ નરમ:

- રૂપિયા સામે ડૉલરમાં નરમાઈ

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં સાધારણ વધઘટ વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં સપ્તાહના પ્રથમ દિવસે સાંકડી વધઘટ રહી હતી. ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ હાલમાં થાળે પડી ગયાનું જણાય છે, ત્યારે બજારની નજર હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૯ જુલાઈની ટેરિફ માટેની ડેડલાઈન પર રહેલી છે. 

ટેરિફ લાગુ કરવા માટેની મુદત વધારવામાં આવે છે કે કેમ તે જોવા બજાર ઉત્સુક છે. ટેરિફ લાગુ થવાની સ્થિતિમાં કરન્સી બજારમાં વોલેટિલિટી આવી શકે છે જેની અસર ઘરઆંગણે સોનાચાંદીના ભાવ પર જોવા મળી શકે છે, તેવી બજાર દ્વારા ગણતરી મૂકવામાં આવી રહી છે. ક્રુડ તેલમાં પણ સાધારણ નરમાઈ રહી હતી. ડોલર તથા યુરો સામે રૂપિયો નબળો પડયો હતો જ્યારે પાઉન્ડમાં સ્થિરતા જોવા મળી હતી.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ગયા સપ્તાહના અંતની સરખામણીએ સાધારણ વધી રૂપિયા ૯૫૮૮૬ મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ ૯૫૫૦૨ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૧૦૫૫૧૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૯૮૭૦૦ મુકાતુ હતું. ચાંદી .૯૯૯ એક કિલાના ભાવ રૂપિયા ૧૦૫૦૦૦ મુકાતા હતા. સોનાચાંદીની આયાત ડયૂટી વસૂલવા માટે ડોલરનો એકચેન્જ રેટ ૮૭.૬૫ રૂપિયા નિશ્ચિત કરાયો હતો. 

વિશ્વબજારમાં સોનાનો ભાવ સપ્તાહના પ્રથમ દિવસે પ્રતિ ઔંસ ૩૨૮૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૫.૯૦ ડોલર મુકાતી હતી. 

ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ સંદર્ભમાં હજુપણ અનિશ્ચિતતાને કારણે ક્રુડ તેલમાં આકર્ષણના અભાવે ભાવ ઘટાડા તરફી જોવાઈ રહ્યા છે. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૫.૨૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૬૭.૬૦ ડોલર મુકાતા હતા. 

કરન્સી બજારમાં ડોલર ૨૫ પૈસા વધી૮૫.૭૪ રૂપિયા જ્યારે યુરો ૪૧ પૈસા વધી ૧૦૦.૫૨ રૂપિયા રહ્યો હતો જ્યારે પાઉન્ડ ૧૧૭.૪૪ના સ્તરે સ્થિર જોવા મળ્યો હતો. અમેરિકન પ્રમુખ ટેરિફ લાગુ કરવાની ૯ જુલાઈની મુદતને પકડી રાખશે અને નવા ટેરિફ લાગુ કરશે તો તેની અસરરૂપે ભારતીય ચલણ પર દબાણ આવી શકે છે, જેની સોનાચાંદીના ભાવ પર પ્રત્સાઘાતી અસરજોવા મળવાની બજારમાં ધારણાં મૂકવામાં આવી રહી છે.

બીજી બાજુ અમેરિકાના વન બિગ બ્યુટીફૂલ બિલને કારણે ખાધમાં વધારો થવાની ચિંતા રહેલી છે. આ ખરડાની અસરથી રાજકોષિય શિસ્તતા કથળશે. આવી સ્થિતિમાં ગોલ્ડની હેજિંગ માગ વધી શકે છે જે તેના ભાવને ટેકો આપશે એવો મત પ્રવર્તી રહ્યો છે. 

Tags :