સોના-ચાંદીમાં સ્પ્રિંગ જેવો ઉછાળો : બંધ બજારે રૂપિયો ઝડપી ઉંચકાયો : ક્રૂડ નરમ
- જોબ ગ્રોથથી નારાજ ટ્રમ્પે ડેટા ચીફ તથા લેબર સ્ટેસ્ટીકલ ઓફીસરોને કાઢી મૂક્યા : ડોલર ઇન્ડેક્સ તૂટીને ૯૮.૬૧
મુંબઈ : મુંબઇ બુલીયન બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકાના જોબ ગ્રોથના આંકડા નબળા આવતા વૈશ્વિક સ્તરે સોન ામાં ઘટયા મથાળે ફંડોનું બાઇંગ વધ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૩૨૯૯થી ૩૩૦૦ વાળા ઉછળી સપ્તાહના અંતે ૩૩૬૩થી ૩૩૬૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૬.૪૯થી ૩૬.૫૦ વાળા વધી ૩૭.૧૮ થઇ છેલ્લે ભાવ ૩૭.૦૩થી ૩૭.૦૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતા ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ભાવમાં ઝડપી ઉછાળાઓ દેખાયા હતા.
મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂા. ૯૭૮૬૦ વાળા વધી રૂા. ૯૯૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૯૮૨૫૩ વાળા રૂા. ૯૯૬૦૦ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂા. ૧૦૯૬૪૬ વાળા રૂા. ૧૧૦૭૫૦ બોલાઇ રહ્યા હતા. કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૮૭.૫૪ વાળા ઝડપી ઘટી રૂા. ૮૭.૨૦ આસપાસ બોલાઇ રહ્યા હતા.
અમેરિકામાં જોબગ્રોથના ડેટા નબળા આવતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રોષે ભરાયા હતા. તથા તેમણે લેબર સ્ટેટીકલ ઓફિસર તથા ડેટા ચીફને બરતરફ કર્યાના સમાચાર પણ મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૨૬ તથા પછી ગબડી ૯૮.૬૧ થઇ છેલ્લે ૯૮.૬૯ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂા. ૧૧૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૦૨૨૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૦૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૧૦૦૦ વધી રૂા. ૧ લાખ ૧૨ હજાર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૨૭ વાળા નીચામાં ૬૯.૪૦ થઇ છેલ્લે ભાવ ૬૯.૬૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧૯૬ ટકા ઉંચા રહ્યા હતા.