ગ્રાહકો દ્વારા ખરીદી પાછળ થતો ખર્ચ 25 ટકા વધીને રૂ. ચાર લાખ કરોડ પહોંચશે
- ઓગસ્ટ માસના તહેવારોમાં વેચાણ ૨૫ ટકા સુધી વધ્યું હતું: પ્રિમીયમ પ્રોડક્ટસની માગ પણ વધશે
અમદાવાદ : આજે ગણેશ ચતુર્થી પર્વ સાથે શરૃ થયેલ તહેવારોની સીઝનમાં નવરાત્રી, દશેરા તેમજ દિવાળી પર્વ દરમિયાન ઓનલાઈન તેમ જ ઓફલાઈન ચેનલ થકી ગ્રાહકો દ્વારા થતો ખર્ચ ૨૫ ટકા વધીને રૂ ચાર લાખ કરોડ પહોંચશે તેવો અંદાજ રિટેલર્સ દ્વારા મુકાયો છે. ગત વર્ષે આ સીઝન દરમિયાન ગ્રાહકો દ્વારા રૂ ૩.૨ લાખ કરોડ ખર્ચાયા હતા. જે ૨૦૧૯ના રૂ ૨.૫ લાખ કરોડ કરતા ૬૦ ટકા વધુ હતા.
રીટેલર્સોના જણાવ્યા મુજબ ઓગસ્ટ માસમાં ઇન્ડીપેન્ડન્સ ડે વીક એન્ડ અને ઓનમના તહેવાર દરમિયાન કન્ઝ્યુમર ડયુરેબલ, ઇલેક્ટ્રોનીક્સ, ફેશન-લાઇફસ્ટાઇલ ક્ષેત્રનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૫થી ૨૦ ટકા વધ્યું હતું. ઓનમના તહેવારમાં કેરાલા ખાતે વેચાણમાં ૨૩થી ૨૫ ટકાની વૃધ્ધિ જોવા મળી હતી.
આજથી શરૃ થયેલ તહેવારોની સીઝન દરમિયાન કન્ઝ્યુમર ડયુરેબલ, ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટસ, એપરલ્સ, ફેશન-લાઇફ સ્ટાઇલ, કિચન, એપ્લાયન્સીસ, બ્યુટી-પર્સનલ પ્રોડક્ટસ, જ્વેલરી, રમકડા, ગિફ્ટીંગ આઈટમ્સ તેમજ મીઠાઈ ક્ષેત્રે મોટા પાયે નવી માગ નીકળે તેવી આશા છે. આ ઉપરાંત વિદેશી પ્રિમીયમ પ્રોડક્ટસમાં પણ ઊંચી માગ રહે તેવી શક્યતા છે.
તહેવારોની સીઝનનો આ અંદાજ કંપનીઓ, કન્સલ્ટન્સ, કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તેમજ ક્લોથીંગ મેન્યુફેચરર્સ એસો. દ્વારા સંયુક્ત પણે રજૂ કરાયો હતો.
આ વર્ષની તહેવારોની સીઝનમાં ઓનલાઈન શોપીંગ રૂ ૯૦૦૦૦ કરોડ પહોંચે તેવો અંદાજ મુકાયો છે. જે ગત વર્ષે ૨૦૨૨માં રૂ ૭૬૦૦૦ કરોડ રહ્યું હતું.