સોયાબીન તથા સોયાખોળના ભાવમાં કડાકો
- દેશમાં સોયાખોળની આયાત થવાની શક્યતા
- કેન્દ્ર સરકારે ઘરઆંગણે ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવા મિશન બનાવતાં આયાત ઘટવાની શક્યતા: વિશ્વબજારમાં ભાવ તૂટયા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજ વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વબજારના સમાચાર પણ પીછેહટ બતાવી રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે સોયાખોળની આયાત થશે એવી શક્યતા બતાવાતી થતાં આજે સોયાબીન તથા સોયાખોળના ભાવમાં ઉંચા મથાળેથી ઝડપી કડાકો બોલાયાના નિર્દેશો હતા.
સોયાબીન વાયદામાં આજે ભાવ છ ટકા તૂટી જતાં નીચામાં મંદીની સર્કીટ અમલી બની હતી. હાજર બજારમાં આજે સોયાખોળના ભાવ ઉંચા મથાળેથી ટનદીઠ રૂ.૪૫૦૦થી ૫૦૦૦ જેટલા ગબડયા હતા. સોયાખોળ પાછળ આજે અન્ય ખોળોના ભાવ પણ તૂટયા હતા.
મસ્ટર્ડ સીડના વાયદાઓ પણ આજે આશરે પોણા બે ટકા માઈનસમાં જતા રહ્યા હતા. સોયાબીન વાયદાના ભાવ આજે છ ટકા તૂટી ઓગસ્ટ વાયદાના ભાવ કિવ.ના રૂ.૯૦૦૫ તથા સપ્ટેમ્બર વાયદાના ગબડી રૂ.૮૧૦૪ બોલાતા થયા હતા. સોયાતેલ વાયદાના ભાવ ૧૦ કિલોમાં રૂ.૨૦ ઘટી રૂ.૧૩૬૦ તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ રૂ.૧૦ ઘટી રૂ.૧૧૨૬ આસપાસ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ સોયાખોળના ગબડી રૂ.૯૪૯૫૦ આસપાસ રહ્યા હતા જે તાજેતરમાં એક લાખ નજીક પહોંચ્યા હતા. સિંગખોળના ભાવ આજે ટનના રૂ.૧૦૦૦ તથા સનફલાવર ખોળના પણ ટનના રૂ.૧૦૦૦ તૂટયા હતા. જોકે અન્ય ખોળો અથડાતા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ઘટી વિવિધ ડિલીવરીઓમાં ૬૭, ૭૫, ૭૭ તથા ૬૬ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ ૧૨.૫૦થી ૧૫.૦૦ ડોલર તૂટયા હતા. ભારતમાં કેન્દ્ર સરકારે દેશમાં ખાદ્યતેલોનું પણ વિશેષરૂપે પામતેલનું ઉત્પાદન વધારવા નેશનલ એડીબલ ઓઈલ મિશન નક્કી કર્યાના સમાચાર હતા.
ઘરઆંગણે પામની ખેતીનો વિસ્તાર વધારવા સરકારે લક્ષ કેન્દ્રીત કર્યું છે. અમેરિકાના કૃષી બજારોમાં આજે સાંજે સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૮૮થી ૯૦ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા. જ્યારે ત્યાં સોયાબીનના ભાવ માઈનસમાં તથા સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં પ્લસમાં રહ્યાના સમાચાર હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ ઘટી સોયાતેલના ડિગમના રૂ.૧૩૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૮૫ રહ્યા હતા જ્યારે આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૧૨૫૦ રહ્ય ાહતા. પામતેલમાં આજે હવાલા રિસેલમાં રૂ.૧૨૫૦થી ૧૨૫૨માં માંડ ૪૦થી ૫૦ ટનના વેપાર થયા હતા. નવી માગ ધીમી રહી હતી. સિંગતેલના ભાવ ઘટી રૂ.૧૪૬૦ જ્યારે કપાસીયા તેલના રૂ.૧૪૭૫ રહ્યા હતા. સનફલાવરના ભાવ ઘટી રૂ.૧૩૯૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૫૦ રહ્યા હતા.
ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ ઘટી રૂ.૧૪૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૨૬૦ રહ્યા હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૧૪૨૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૮૦૦ તથા રાઈસબ્રાનના રૂ.૧૩૨૦ રહ્યા હતા. દિવેલના હાજર ભાવ આજે રૂ.ત્રણ ઘટી જાતવાર ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૪૦થી ૧૧૬૦ રહ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ ઘટી રૂ.૫૬૦૦ રહ્યા હતા.
એરંડા ઓગસ્ટ વાયદાના ભાવ આજે સાંજે રૂ.આઠ ઘટી રૂ.૫૫૭૨ બોલાઈ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીમાં આજે સનફલાવરના ભાવ રૂ.૧૪૨૦ રહ્યા હતા જ્યારે મુંદ્રા- હઝીરા ખાતે ભાવ વિવિધ ડિલીવરીમાં પામતેલના રૂ.૧૨૫૫થી ૧૨૬૦, સોયાતેલના રૂ.૧૩૯૦થી ૧૪૦૦ તથા સનફલાવરના રૂ.૧૪૯૦થી ૧૪૯૫ બોલાઈ રહ્યા હતા.