રેપો રેટમાં ઘટાડો છતાં લોનમાં મંદ વૃદ્ધિ: ધિરાણ વધારવા બેન્કોને સૂચના
- વ્યાજ દરમાં એક ટકા ઘટાડો કરાયો હોવા છતાં પણ ધિરાણમાં હાલમાં એક અંકમાં જ વૃદ્ધિ જોવા મળી રહી છે
મુંબઈ : ૧૩ જૂનના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ વધુ જોવા મળી છે. રેપો રેટમાં કરાયેલા ઘટાડા છતાં ધિરાણમાં વધારો નહીં થયો હોવાનું ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ધિરાણ વધારવા બેન્કોને સૂચન કર્યું છે.
૧૩ જૂનના પખવાડિયામાં થાપણ વૃદ્ધિનો દર વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા રહ્યો હતો જ્યારે થાપણ વૃદ્ધિનો દર ૯.૬૦ ટકા રહ્યો હતો. વર્તમાન વર્ષના મે મહિનાથી ધિરાણમાં એક અંકી વૃદ્ધિ જોવા મળી રહી છે.
ધિરાણ કરતા થાપણ વૃદ્ધિ ઊંચી રહેતા થાપણથી ધિરાણનું પ્રમાણ ઘટી ૭૭.૮૦ ટકા રહ્યું હતું જે એક વર્ષ અગાઉ ૭૯.૪૦ ટકા રહ્યું હતું.
દરમિયાન રિઝર્વ બેન્કે રેપો રેટમાં કરેલા ઘટાડાને ધ્યાનમાં રાખી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને ધિરાણ વધારવા પ્રયાસો કરવા સૂચના આપી હતી.
જાહેર ક્ષેત્રની બેન્કોની કામગીરીની શુક્રવારે યોજાયેલી સમીક્ષા બેઠક વખતે નાણાં પ્રધાન તરફથી આ સૂચના અપાઈ હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
૩૦મી મેના પખવાડિયામાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ ૮.૯૭ ટકા સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ તે સતત એક અંકમાં જ જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં એકંદરે એક ટકો ઘટાડો કર્યો છે. એટલું જ નહીં નાણાં વ્યવસ્થામાં ભરપૂર લિક્વિડિટી પણ પૂરી પાડવામાં આવી છે.
ઊભરી રહેલા વ્યવસાયીક ક્ષેત્રોને ઓળખી કાઢવા તથા ઉત્પાદન ક્ષેત્રમાં કોર્પોરેટ ધિરાણ વધારવા પર નાણાં પ્રધાને ભાર મૂકયો હતો.
હાલમાં રેપો રેટ ૫.૫૦ ટકા છે અને વર્તમાન સપ્તાહમાં નાણાં વ્યવસ્થામાં રૂપિયા ૨.૭૧ ટ્રિલિયનની વધારાની લિક્વિડિટી રહી હતી.