ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર
- એક્ટિવ ઈક્વિટી સ્કીમમાં કુલ ઈન્ફલોમાં નાના શહેરોનો હિસ્સો ૪૧ ટકાથી પણ વધુ

મુંબઈ : મ્યુચ્યુઅલ ફન્ડોની એક્ટિવ ઈક્વિટી સ્કીમમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતનો ઈન્ફલોસ નાના નગરો ખાતેથી ઓકટોબરમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડને પાર કરી ગયો હતો.
મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ડેટા પ્રમાણે ટોચના ૩૦ (બી૩૦) શહેરો સિવાયના વિસ્તારો ખાતેથી એસઆઈપી મારફતનો ઈન્ફલો ઓકટોબરમાં રૂપિયા ૧૦૦૮૦ કરોડ રહ્યો હતો. માર્ચ ૨૦૨૧માં આ વિસ્તારો ખાતેથી એસઆઈપી ઈન્ફલોસ માત્ર રૂપિયા ૨૮૩૨ કરોડ રહ્યો હતો.
વર્તમાન વર્ષના ઓકટોબરમાં એક્ટિવ ઈક્વિટી સ્કીમમાં કુલ એસઆઈપી ઈન્ફલો રૂપિયા ૨૪૩૬૪ કરોડ રહ્યો હતો જેમાં ૩૦ મોટા શહેરો સિવાયના વિસ્તારોનો હિસ્સો ૪૧.૪૦ ટકા જેટલો રહ્યો હતો.
મોટા શહેરો સિવાયના વિસ્તારોમાંથી એસઆઈપીમાં વધારો ઈક્વિટીમાં રોકાણમાં આકર્ષણ વધી રહ્યાનું સૂચવે છે, એમ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
શહેરો સિવાયના વિસ્તારો ખાતેથી ઈક્વિટી રોકાણમાં વધારા માટે મુખ્ય કારણ ઓનલાઈન જોડાણમાં વધેલી સરળતા રહેલું છે. દેશમાં હાલમાં ઈક્વિટી રોકાણમાં સારા વળતર મળી રહેતા હોવાથી વધુને વધુ રોકાણકારો ઈક્વિટી રોકાણ તરફ વળી રહ્યા છે.
ઓકટોબરના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧ કરોડ રહી હતી, જે ગયા વર્ષના ઓકટોબરના અંતની સરખામણીએ ૧૭.૪૦ ટકા વધુ છે.
ગયા મહિને સેન્સેકસ તથા નિફટી બન્ને ચાર ટકાથી વધુ વધ્યા હતા. અન્ય રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીમાં વધુ વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે પણ ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

