SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર
- ઈક્વિટી ફંડોમાં જુલાઈમાં રોકાણ પ્રવાહ ૮૧% વધીને રૂ.૪૨.૦૨ કરોડ નોંધાયો : સતત ૫૩માં મહિને ઈક્વિટીમાં નેટ રોકાણ પ્રવાહ જારી
- ઉદ્યોગની એયુએમ રૂ.૭૫.૩૫ લાખ કરોડની રેકોર્ડ ટોચે : એસઆઈપી થકી થતું રોકાણ વિક્રમી સપાટીએ
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જુલાઈ ૨૦૨૫ મહિનામાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા નવી સ્કિમોની પહેલ સાથે સેકન્ડરી માર્કેટમાં પણ તેજીનો ફૂંફાળા જોવાતાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ પણ મોટાપાયે ઠલવાતો જોવાયો છે. જુલાઈમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ૮૧ ટકા વધીને રૂ.૪૨,૭૦૨ કરોડ નોંધાયું છે. જે ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ પ્રવાહમાં તીવ્ર વધારા થકી જોવાયું હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આજે જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ જૂનના રૂ.૭૪.૪૧ લાખ કરોડની તુલનાએ જુલાઈમાં વધીને રૂ.૭૫.૩૫ લાખ કરોડની વિક્રમી નવી ઊંચાઈએ પહોંચી છે.
એમ્ફીના આંકડા મુજબ આ ઈક્વિટી સેગ્મેન્ટમાં સતત૫૩માં મહિને રોકાણકારોનું નેટ રોકાણ થયું છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં જૂન મહિનાના રૂ.૨૩,૫૮૭ કરોડની તુલનાએ જુલાઈ મહિનામાં રોકાણ રૂ.૪૨,૭૦૨ કરોડ થયું છે. ઈક્વિટી ફંડ કેટેગરીઝમાં થીમેટિક ફંડોમાં જુલાઈમાં સૌથી વધુ રૂ.૯૪૨૬ કરોડનું રોકાણ થયું છે. ત્યાર બાદ ફ્લેક્સી કેપ ફંડોમાં રૂ.૭૬૫૪ કરોડ થયું છે. આ ઉપરાંત સ્મોલ કેપ ફંડોમાં જૂનનારૂ.૪૦૨૪ કરોડની તુલનાએ જુલાઈમાં રૂ.રૂ.૬૪૮૪ કરોડ અને મિડ કેપ ફંડોમાં રૂ.૩૭૫૪ કરોડની તુલનાએ વધીને રૂ.૫૧૮૨ કરોડ, લાર્જ એન્ડ મિડ કેપ ફંડોમાં રૂ.૨૦૨૬ કરોડની તુલનાએ વધીને રૂ.૫૦૩૫ કરોડ રોકાણ પ્રવાહ નોંધાયો છે. આ સિવાય લાર્જ કેપ ફંડોમાં રૂ.૧૬૩૦ કરોડની તુલનાએ વધીને રૂ.૨૧૨૫ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જુલાઈમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) થકી થતું રોકાણ સર્વોચ્ચ વિક્રમી સપાટીએ ૪ ટકા વધીને રૂ.૨૮,૪૬૪ કરોડ નોંધાયું છે. જે જૂન ૨૦૨૫માં રૂ.૨૭,૨૬૯ કરોડ થયું હતું. એસઆઈપી અટકાવવાનું પ્રમાણ-રેશીયો ૬૩ ટકા રહ્યો છે. એસઆઈપી એયુએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) જૂનના રૂ.૧૫.૩૧ લાખ કરોડથી ઘટીને રૂ.૧૫.૧૯ લાખ કરોડ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ એસેટ્સના ૨૦.૨ ટકા એસપીઆઈઝનો હિસ્સો રહ્યો છે. એસઆઈપી એકાઉન્ટો જે જૂનના અંતે ૯.૧૯ કરોડની તુલનાએ જુલાઈના અંતે વધીને ૯.૪૫ કરોડ રહ્યા છે. જુલાઈમાં ૬૮.૬૯ લાખ નવી એસઆઈપી રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે ૪૩.૦૪ લાખ એકાઉન્ટો બંધ થયા છે અથવા પાક્યા-મેચ્યોર્ડ થયા છે.
એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ એન. ચેલાસાનીએ જણાવ્યું હતું કે, મજબૂત અમેરિકી ડોલર અને સતત વિદેશી ફંડોની રોકાણ જાવકના દબાણ છતાં કુલ એયુએમ ૧.૩ ટકા વધીને રૂ.૭૫.૩૬ લાખ કરોડ થઈ છે. કુલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો જૂનના ૨૪.૧૩ કરોડની તુલનાએ જુલાઈમાં ૨૪.૫૭ કરોડ થવા સાથે રિટેલ હિસ્સેદારી વધી છે. જુલાઈ ૨૦૨૫ મહિનામાં કુલ ૩૦ સ્કિમો લોન્ચ થઈ છે, તમામ ઓપન એન્ડેડ અને તમામ કેટેગરીઝમાં મળીને ફંડોએ રૂ.૩૦,૪૧૬ કરોડ ઊભા કરાયા છે.