For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ભાવ વધુ તૂટયાઃ ઉનાળું પાકના સિંગદાણાની આવક વધવાની શક્યતા

Updated: May 27th, 2023

Article Content Image

વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવમાં આગળ ધપતી પ્રત્યાઘાતી તેજી

કપાસિયા તેલમાં મંદીને બ્રેક લાગીઃ એરંડા વાયદો વધુ ગબડતાં ભાવ રૂ.૫૬૦૦ની અંદર ઉતર્યા ઃ આયાતી તેલો ઉંચકાયાઃ પામતેલમાં ૪૦૦ ટનના વેપાર

મુંબઈ: મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે   વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં હવામાન  મિશ્ર રહ્યું હતું.  સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો.  જ્યારે કપાસિયા તેલના ભાવમાં મંદીને બ્રેક વાગતાં  ભાવ તળિયેથી  ઉંચકાયા હતા.  આયાતી  ખાદ્યતેલોના ભાવ પણ ઘટયા મથાળેથી વધી આવ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. દરમિયાન, ઘરઆંગણે  સૌરાષ્ટ્ર ખાતે આજે  સિંગતેલના ભાવ ઘટી ૧૫૫૦થી ૧૬૦૦ તથા  ૧૫ કિલોના ભાવ રૂ.૨૫૦૦થી ૨૫૫૦ બોલાતા થયા હતા.  

સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટતા અટકી રૂ.૮૧૫ વાળા  આજે રૂ.૮૨૫ રહ્યા હતા. સિંગદાણામાં ઉનાળુ નવા પાકની આવકો રાજસ્થાન તથા ગુજરાતમાં શરૂ થઈ ગયાના નિર્દેશો હતા. જો કે સિંગદાણામાં નિકાસકારોની માગ આવતાં આજે નવી મુંબઈ સિંગદાણા બજારમાં ભાવ ધીમા સુધારા પર રહ્યાના નિર્દેશો હતા.  ઉનાળુ પાકની આવકોે આગળ ઉપર વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઘટી રૂ.૧૬૧૫ રહ્યા હતા જ્યારે  કપાસિયા તેલના ભાવ તળિયેથી વધી રૂ.૯૦૦ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં  આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં  ૩૩ પોઈન્ટ વધ્યો હતો.  જ્યારે  ત્યાર પછીની ડિલીવરીના  ભાવ ૫૧થી ૬૧  પોઈન્ટ  વધ્યા હતા.  ત્યાં પામ પ્રોડકટના ભાવ ભાવ ૭.૫૦થી ૧૦ ડોલર ઉંચકાયા હતા.   ઘરઆંગણે  આજે સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશમાં  ૬૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૫૦ હજાર  ગુણી આવી હતી. મધ્ય-પ્રદેશમાં ભાવ કિવ.ના  રૂ.૪૮૦૦થી ૫૧૦૦ રહ્યા હતા. નવી મુંબઈ સિંગદાણા બજારમાં આજે  કિવ.ના ભાવ બોલ્ડ માલોના જાતવાર  રૂ.૧૧૨૦૦થી ૧૨૪૦૦ રહ્યા હતા જ્યારે  ૫૦-૬૦ કાુન્ટના  ભાવ રૂ.૧૨૫૦૦ તથા ૬૦-૭૦ના રૂ.૧૧૮૦૦ અને  ૭૦-૮૦ના રૂ.૧૨૧૦૦ તથા ૮૦-૯૦ના ભાવ રૂ.૧૧૧૦૦ બોલાઈ રહ્યા હતા.  મુંબઈ આયાતી  પામતેલના  ભાવ ૧૦ કિલોના વધી   રૂ.૮૭૦ રહ્યા હતા.  પામતેલમાં  આજે માગ વધતાં  ૩૦૦થી ૪૦૦ ટનના વેપાર થયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૫૦ રહ્યા હતા.  અમેરિકાના કૃષી બજીરોમાં  સોયાતેલના ભાવ ઓવરનાઈટ ૫૦થી ૫૫ પોઈન્ટ વધ્યા પછી  આજે પ્રોજેકસનમાં ભાવ  વધુ ૮૫થી ૯૦  પોઈન્ટ ઉછળ્યા હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ આજે  તળિયેથી વધી ડિગમના  રૂ.૮૫૦ તથા રિફાઈન્ડના રૂ.૯૧૦  રહ્યા હતા.  સનફલાવરના ભાવ રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૯૩૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં મસ્ટર્ડના ભાવ રૂ.૯૯૦  તથા રિફાઈન્ડના રૂ.૧૦૨૦  રહ્યા હતા.  મુંબઈ દિવેલના હાજર ભાવ આજે વધુ  રૂ.૧૪  તૂટયા  હતા જ્યારે   હાજર એરંડાના  ભાવ કિવ.ના વધુ રૂ.૭૦ ગબડયા હતા.  એરંડા વાયદા બજારમાં આજે ભાવ વધુ ઘટી રૂ.૫૬૦૦ની સપાટીની અંદર બોલાતા થયા હતા.  મુંબઈ  ખોળ બજારમાં  જોકે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૧૫૦ વધી આવ્યા હતા.  જ્યારે અન્ય ખોળો શાંત હતા. અમેરિકાના કૃષી બજારોમાં  ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાબીનના ભાવ  તથા સોયાખોળના ભાવ નરમ રહ્યા હતા.  જ્યારે  સોયાખોળના ભાવ વધી આવ્યા હતા.

Gujarat