Get The App

ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000

- સોનામાં બે દિવસમાં રૂ.૨૫૦૦ની તેજી: અમેરિકામાં વ્યાજના દર ડિસેમ્બરમાં ઘટવાની શક્યતા વચ્ચે વૈશ્વિક બજારોમા તેજી

- વૈશ્વિક સોનું ઉછળી ૪૨૦૦, ચાંદી ૫૬ ડોલર ઉપર

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીમાં તોફાની તેજી: ભાવ વધુ રૂ.6000 ઉછળી રૂ.171000 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી ગઈ હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઉકળતો જોવા મળ્યો હતો.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૬૦૦૦ ઉછળી ભાવ રૂ.૧૭૧૦૦૦ને આંબી ગયા હતા. ચાંદીના ભાવ છેલ્લાં પાંચ દિવસમાં રૂ.૧૫ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૦૦૦ બોલાયા હતા. સોનાના ભાવ બે દિવસમાં રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૩.૮૪થી ૫૩.૮૫ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ પ્રથમવાર ૫૬ ડોલરને પાર કરી ૫૬.૫૦થી ૫૬.૫૧ ડોલર બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૧૭૧થી ૪૧૭૨ વાળા વધી ૪૨૦૦ ડોલરની સપાટી કુદાવી છેલ્લે ભાવ ૪૨૩૯થી ૪૯૪૦ ડોલર રહ્યા હતા. 

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ડિસેમ્બરમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે એવી શક્યતા વધતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યો હતો અને તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડો એકટીવ બાયર રહેતાં તેની પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઝડપથી ઉંચકાતાં જોવા મળ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૨ તથા નીચામાં ૯૯.૩૮ થઈ ૯૯.૪૭થી ૯૯.૪૮ આસપાસ રહ્યો હતો. ડોલર ઈન્ડેક્સમાં આ સપ્તાહમાં જોવા મળેલા ઘટાડો છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો વિકલી ઘટાડો હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૪૫ વાળા રૂ.૮૯.૩૯થી ૮૯.૪૯ આસપાસ બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં જોબ માર્કેટ, રિટેલ સેલ તથા કન્ઝયુમર કોન્ફીડન્સના વિવિધ ડેટા અપેક્ષાથી નબળા આવતાં ત્યાં વ્યાજના દર વધુ ઘટવાની શક્યતા વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૩૪થી ૧૬૩૫ વાળા વધી ૧૬૭૦થી ૧૬૭૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૯૮થી ૧૩૯૯ વાળા વધી ૧૪૬૮ થઈ છેલ્લે ભાવ ૧૪૫૪થી ૧૪૫૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧.૫૦ ટકા પ્લસમાં ક્વોટ થઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ  બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૨૭૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૮૧૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૭૨૩૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૧૨ થઈ છેલ્લે ૬૨.૩૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૨૭ થઈ ૫૮.૫૫ ડોલર છેલ્લે રહ્યા હતા. ઓપેકની મળનારી મિટિંગ પર બજારની નજર રહી હતી. 

Tags :