Get The App

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ચાંદીમાં આગઝરતી તેજી: ભાવ રૂપિયા 1,13,000 1 - image


- ટેરિફ બાબત અનિશ્ચિતતા વચ્ચે સેફ હેવન ખરીદી નીકળતા સોનાચાંદીમાં મજબૂતાઈ

મુંબઈ : ગત સપ્તાહના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો ખાતેથી થતી આયાત પર ૩૦ ટકા ટેરિફ લાગુ કરવાની આપેલી ચીમકી બાદ વૈશ્વિક વેપારમાં નવેસરથી ચિંતા ઊભી થતા રોકાણકારો ફરી પાછા કિંમતી ધાતુ તરફ વળતા વૈશ્વિક સ્તરે સોનામાં ત્રણ સપ્તાહની ઊંચી સપાટી જોવા મળી હતી.

અમેરિકાના ટેરિફ બાબતે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરી સેફ હેવન તરફ વળી રહ્યાનું જણાય છે. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં આગેકૂચ જારી રહી હતી. સોનામાં ભાવ રૂપિયા ૯૮૦૦૦ને  પાર ગયા હતા. ચાંદીએ  રૂપિયા ૧,૧૩,૦૦૦ની નવી ઊંચી સપાટી દર્શાવી છે. બીજી બાજુ રશિયા પર અમેરિકા દ્વારા નવેસરના પ્રતિબંધથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ જવાના ભયે સપ્તાહના પ્રથમ દિવસે ક્રુડ તેલમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. રશિયા અંગે ટ્રમ્પના નિવેદનની બજાર રાહ જોઈ રહ્યું છે.  સ્થાનિક મુંબઈ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જે ગત સપ્તાહના અંતે જીએસટી વગર સત્તાવાર રૂપિયા ૯૭૫૧૧ બંધ રહ્યું હતું તે વધી રૂપિયા ૯૮૩૦૩ મુકાતું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૯૭૯૦૯ બોલાતા હતા.  ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જે ગયા સપ્તાહ અંતે સત્તાવાર રૂપિયા ૧૧૦૨૯૦  બંધ રહ્યા હતા તે  વધી જીએસટી વગર રૂપિયા ૧૧૩૮૬૭ મુકાતા હતા. ચાંદીમાં રૂપિયા ૩૫૭૭નો ઉછાળો આવ્યો હતો. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૧૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૧૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૨૫૦૦ બોલાતા હતા. 

વૈશ્વિક સોનાના ભાવ સપ્તાહના પ્રારંભમાં ઔંસ દીઠ વધી ૩૩૫૫ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૭૬ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પીછેહઠ રહી હતી. પ્લેટિનમનો ભાવ ઘટી  ઔંસ દીઠ ૧૩૬૮ ડોલર જ્યારે પેલેડિયમ પણ નફારૂપી વેચવાલી વચ્ચે ઘટી  ઔંસ દીઠ ૧૧૯૦ ડોલર મુકાતુ હતું.

અમેરિકા રશિયા પર નવેસરથી પ્રતિબંધ મૂકશે તો ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાશે તેવી શકયતાએ ક્રુડ તેલના ભાવ મક્કમ જોવા મળ્યા હતા. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ઉપરમાં ૭૧.૫૩ ડોલર અને નીચામાં ૭૦.૫૩ ડોલર થઈ મોડી સાંજે ૭૦.૬૨ ડોલર મુકાતુ હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૮.૫૬ ડોલર મુકાતુ હતું.

Tags :