રૂ. 3400ના ગાબડાં સાથે ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનામાં નરમાઈ
- ઊંચા ટેરિફને પગલે ચાંદીની ઔદ્યોગિક માગ નબળી પડવાના એંધાણ
મુંબઈ : બુધવારે વૈશ્વિક સોનાના ભાવ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી જતા ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દર જાળવી રાખવાના લીધેલા નિર્ણય અને અમેરિકા દ્વારા ભારત પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાત બાદ ફરી સેફ હેવન માગ નીકળતા સોનામાં ગુરુવારે મોડી સાંજે ભાવ સુધારા તરફી રહ્યા હતા.
બુધવારે વૈશ્વિક સોનાના ભાવ નીચામાં ૩૨૬૭ ડોલર જોવા મળ્યા હતા, જેની અસરે ઘરઆંગણે સોનાચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીમાં રૂપિયા ૩૪૦૦થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ઊંચા ટેરિફને પગલે ચાંદીમાં ઔદ્યોગિક માગ નરમ પડવાની ગણતરી મુકાતી હતી. સોનામાં પણ ભાવ નરમાઈ રહી હતી. ભાવ રૂપિયા ૯૯૦૦૦ની અંદર સરકી ગયા હતા. મંદ માગને પરિઁણામે ક્રુડ તેલના ભાવ ઊંચા મથાળેથી નરમ પડયા હતા.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૯૯૦૧૭ રહ્યા હતા તે ઘટી રૂપિયા ૯૮૫૩૪ રહ્યા હતા. સોનાએ રૂપિયા ૯૯૦૦૦ની સપાટી ગુમાવી હતી. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૪૦૦ થી ગબડી રૂપિયા ૧૦૯૯૫૦ બોલાતા હતા. મુંબઈ ચાંદીમાં રૂપિયા ૩૪૫૦ ઘટી ગયા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૧૪૦૦ જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૧૧૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૧૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદીમાં પણ રૂપિયા ૩૫૦૦ નીકળી ગયા હતા.
વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૦૮ ડોલર બોલાતુ હતું. બુધવારે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ સોનામાં રિબાઉન્સ થયું હતું. ચાંદી ૩૭ ડોલરની અંદર ઊતરી ઔંસ દીઠ ૩૬.૬૫ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુમાં પણ ભાવમાં પીછેહઠ રહી હતી. પ્લેટિનમ ઘટી ઔંસ દીઠ ૧૩૦૯ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૧૩ ડોલર કવોટ થતું હતું.
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરાતા ચાંદીની ઔદ્યોગિક માગ ઘટવાના એંધાણે ભાવ પર અસર જોવા મળી છે.
મંદ માગને પરિણામે ક્રુડ તેલમાં ઊંચા મથાળેથી ભાવ રિવર્સ થયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૯.૬૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૩ ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૭૨.૮૦ ડોલર મુકાતુ હતું. અમેરિકામાં ક્રુડ તેલના સ્ટોકમાં જબ્બર વધારો જોવા મળતા ભાવ પર દબાણ આવ્યું છે.