ચાંદીમાં રૂ.2500નો ઉછાળો: સોનાના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા
- વૈશ્વિક ચાંદી વધી ઔંશના ૩૭ ડોલર નજીક પહોંચી
- પ્લેટીનમ ઉછળી ૧૪૦૦ ડોલર : પેલેડીયમ વધી ૧૧૦૦ ડોલર
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. સામે ચાંદીના ભાવમાં સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારના સમાચાર તેજી બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ ફરી વધ્યાના સમાચાર મળ્યા હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૨૦થી ૩૩૨૧ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૫૦થી ૩૩૫૧ થઈ ૩૩૨૫થી ૩૩૨૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૭૬૮ વાળા રૂ.૯૬૬૪૧ ખુલી રૂ.૯૬૭૭૦ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯ના ભાવ રૂ.૯૭૧૫૭ વાળા રૂ.૯૭૦૩૦ ખુલી રૂ.૯૭૧૫૯ બંધ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૧૦૫૨૦૦ વાળા ઉછળીરૂ.૧૦૭૧૫૦ બોલાયા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૫૦૦ ઉછળી રૂ.૧૦૭૦૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ જોકે રૂ.૨૦૦ નરમ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔશના ૩૬.૪૩ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બુધવારે રૂ.૩૫૦૦ તૂટયા પછી ગુરુવારે રૂ.૨૫૦૦ ઉછળતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. દરમિયાન, અમેરિકામાં અર્થતંત્રમાં આ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ઘટાડો થયાના વાવડ હતા. ત્યાં બેરોજગારીના દાવાઓ વધી નવેમ્બર ૨૦૨૧ પછીની નવી ટોચે પહોંચ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૩૧૦થી ૧૩૧૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૧૪૧૬થી ૧૪૧૭ થઈ ૧૩૯૮થી ૧૩૯૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૯થી ૧૦૫૦ વાળા ઉંચામાં ભાવ ૧૧૨૧થી ૧૧૨૨ થઈ ૧૦૮૮થી ૧૦૮૯ ડોલર રહ્યા હતા.
વૈશ્વિર કોપરના ભાવ આજે ૨.૬૯ ટકા ઉંચકાયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. વૈશ્વિક બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૬૭.૬૦ વાળા વધી ૬૮.૩૦ થઈ ૬૭.૭૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૪.૭૭ વાળા વધી ૬૫.૫૭ થઈ ૬૫.૦૭ ડોલર રહ્યા હતા.