Gold-Silver Price Update: દિવાળીના તહેવારના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેણે ખરીદદારો માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કર્યું છે. મંગળવારે (21મી ઑક્ટોબર) ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી અને સોના બંનેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ચાંદીમાં 20 હજાર રૂપિયાનો જંગી ઘટાડો
MCX પર ચાંદીના ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી હવે 20 હજાર રૂપિયા જેટલા ઘટી ગયા છે. શુક્રવારે (17મી ઑક્ટોબર) ચાંદીના ભાવ 1.70 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધુ હતા. સોમવારે (20મી ઓક્ટોબર) દિવાળીના દિવસે બજાર ખુલ્યું ત્યારે તે 1.53 લાખ રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહી હતી. 21મી ઑક્ટોબરે MCX પર એક કિલો ચાંદીનો ભાવ લગભગ 8 હજાર રૂપિયા ઘટીને 1,50,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ દર્શાવે છે કે ચાંદી તેના રેકોર્ડ ઊંચાઈના સ્તરથી 20 હજાર રૂપિયા જેટલી સસ્તી થઈ છે.
સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈથી 4 હજાર રૂપિયા ઘટ્યા
ચાંદીની જેમ, સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 17મી ઑક્ટોબરના રોજ સોનાએ પ્રતિ 10 ગ્રામ 1.32 લાખ રૂપિયાની રેકોર્ડ ઉચ્ચતમ સપાટી બનાવી હતી. આજે (21મી ઓક્ટોબર) MCX પર પાંચમી ડિસેમ્બરના વાયદા માટે 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 2,500 રૂપિયા ઘટીને 1,28,000 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આમ, વાયદા બજારમાં સોનાનો ભાવ તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 4 હજાર રૂપિયા જેટલો ઘટ્યો છે.
IBJA પર ચાંદી 11 હજાર રૂપિયા સસ્તી
ભારતીય બુલિયન માર્કેટ (IBJA) પર પણ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવાળીના દિવસે (20મી ઑક્ટોબર) IBJA પર ચાંદીના ભાવ પ્રતિ કિલો 11 હજાર રૂપિયા ઘટ્યા હતા અને તે 1,60,730 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. 24 કેરેટ સોનાનો ભાવ 4 હજાર રૂપિયાથી વધુ ઘટીને 1,26,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.
IBJA પર અન્ય ભાવ (પ્રતિ 10 ગ્રામ) આ મુજબ છે. 23 કેરેટ સોનું 1,26,223 રૂપિયા, 22 કેરેટ સોનું 1,22,085 રૂપિયા અને 18 કેરેટ સોનું 95,048 રૂપિયા છે. બંને કીમતી ધાતુઓના ભાવમાં દિવાળી પછી પણ ઘટાડો ચાલુ રહેતા, ગ્રાહકો માટે ખરીદીની આકર્ષક તક ઊભી થઈ છે.


