Get The App

વિશ્વ બજારમાં ઉછાળાને પગલે ઘરઆંગણે ચાંદીમાં રૂપિયા 1,10,000નો નવો વિક્રમ

- ટ્રમ્પની ટેરિફ નીતિથી ટ્રેડ વોર ભડકવાના ભયે કિંમતી ધાતુમાં સેફ હેવન ખરીદી

- વિશ્વબજારમાં ચાંદી ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી : ક્રુડનું મક્કમ વલણ

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં  ઉછાળાને  પગલે ઘરઆંગણે ચાંદીમાં  રૂપિયા 1,10,000નો  નવો વિક્રમ 1 - image


મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રોજેરોજ વિવિધ દેશો પર ટેરિફની કરાઈ રહેલી જાહેરાતને પરિણામે  વૈશ્વિક ટ્રેડ વોર ભડકવાની ભીતિએ વિશ્વ બજારમાં સોનાચાંદીમાં ભાવ ઊંચકાયા હતા. એક તરફ ટ્રેડ વોર અને બીજી બાજુ ભૌગોલિકરાજકીય તાણને ધ્યાનમાં રાખી ફન્ડ હાઉસો ફરી સેફ હેવન તરીકે કિંમતી ધાતુ તરફ વળ્યા હતા. ટ્રેડ વોરને કારણે ડોલરમાં નબળાઈ જોવા મળી રહી છે. વિશ્વબજારમાં ચાંદી ૧૩ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. 

મહત્વની એવી ઔદ્યોગિક મેટલ કોપર પર ૫૦ ટકા ડયૂટી લાગુ કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ હવે વિશ્વના કેટલા ક દેશો ચાંદીના વેપાર પર નિયમન લાવી દેશે તેવી ધારણાંએ વિશ્વ બજારમાં ચાંદી તેર વર્ષની ટોચે પહોંચી હતી જ્યારે ઘરઆંગણે ચાંદીમાં પ્રતિ કિલો રૂપિયા ૧,૧૦,૦૦૦થી વધુના ભાવ સાથે નવી ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી. ચાંદી એ કોપરનું બાય પ્રોડકટ હોય કોપરના ભાવમાં  વધારો ચાંદીના ભાવને પણ ઊંચે  લઈ જવાની ગણતરી મુકાઈ રહી છે.  

કોપરની જેમ ચાંદીની પણ વિવિધ ઔદ્યોગિક માગ રહેલી છે ત્યારે હાલની વેપાર તાણ વચ્ચે ચાંદીનો પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા તથા તેનો સંગ્રહ થવાની  ચિંતાએ ચાંદીમાં સપ્તાહ મોટો ઉછાળો આવ્યો હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૯૭૦૪૬ હતા તે શુક્રવારે સપ્તાહ અંતે વધી રૂપિયા ૯૭૫૧૧ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૧૨૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૨૩૫૬ વધી  જીએસટી વગર રૂપિયા ૧૧૦૨૯૦ કવોટ થતા હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ઘરઆંગણે ચાંદીનો નવો વિક્રમી ભાવ જોવા મળ્યો છે.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૦૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૨૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૧૦,૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સૌનુ ઔંસ દીઠ ૩૩૫૬ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ વધી ૩૭.૭૭ ડોલર સાથે તેર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમનો ભાવ ઔંસ દીઠ ૧૩૭૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૭૫ ડોલર બોલાતો હતો. 

સપ્તાહ અંતે ક્રુડ તેલ મક્કમ રહ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૭.૪૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ  બેરલ દીઠ ૬૯.૫૩ ડોલર મુકાતુ હતું. 

Tags :