Get The App

ચાંદીનો વાયદો ચાર ટકા તૂટયો પરંતુ સિલ્વર ETFમાં 24 ટકાનું ગાબડું

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીનો વાયદો ચાર ટકા તૂટયો પરંતુ સિલ્વર ETFમાં 24 ટકાનું ગાબડું 1 - image

- બજેટમાં સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડયુટીની અફવાએ રોકાણકારોને રડાવ્યા

- ભારતીય બજારોમાં સોનામાં રૂ. 3,000 અને ચાંદીમાં રૂ. 20,000નો કડાકો : વૈશ્વિક બજારમાં રિકવરી

- ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓના પગલે ડેનિશ ફંડ્સે યુએસ બોન્ડ્સમાં રોકાણ ઘટાડયું હતું

અમદાવાદ : ગ્રીનલેન્ડ કબ્જે કરવાના મનસૂબામાં ટ્રમ્પની પીછેહઠના સંકેતની સાથે યુરોપ સહિત વિરોધ કરનારા દેશો પર વધારાના ટેરિફમાં પણ ટ્રમ્પની પાછીપાનીના સંકેત મળતા મેટલ માર્કેટમાં રેકોર્ડ રેલી બાદ કોમેક્સ અને એમસીએક્સમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ બાદમાં વૈશ્વિક બજારમાં રિકવરી જોવા મળી હતી પરંતુ એમસીએક્સ પર સોના-ચાંદીમાં અનુક્રમે એક ટકા અને ચાર ટકાનું ગાબડું હતુ.

દરમિયાન આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું રૂ. ૩,૦૦૦ તૂટીને ૧,૫૭,૦૦૦ મૂકાતું હતું જ્યારે ચાંદી રૂ. ૧૦,૦૦૦ તૂટીને રૂ. ૩,૧૦,૦૦૦ રહી હતી. મુંબઈ ખાતે ચાંદી રૂ. ૨૦,૦૦૦ તૂટીને રૂ. ૨,૯૯,૭૦૦ અને સોનું ૧,૫૧,૦૦૦ ની સપાટીએ રહ્યું હતું. દિલ્હી ખાતે ચાંદી રૂ. ૧૪,૦૦૦ તૂટીને રૂ. ૩,૨૦,૦૦૦ ની સપાટીએ રહી હતી.

ગુરૂવારના સત્રમાં સૌથી વધુ ચર્ચા સોના-ચાંદીના ભાવ કરતા સિલ્વર અને ગોલ્ડ ઈટીએફ બીસની થઈ રહી હતી. સોના-ચાંદીમાં નાનું રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડથી લઈને ડીમેટ ખાતાધારકો ઈટીએફ થકી રોકાણ કરતા હોય છે. ચાંદીના ૪ ટકાના ઘટાડાની સામે ઈટીએફમાં ૨૦થી ૨૫ ટકાનો મસમોટો કડાકો જોવા મળ્યો છે. 

૨૨મી જાન્યુઆરીના સત્રમાં ટાટા સિલ્વર ઈટીએફમાં ૩૩.૬૦ના બંધ ભાવની સામે ૨૫.૫૬નું તળિયું બતાવીને દિવસના અંતે ૧૬.૩૧ ટકા ઘટીને ૨૮.૧૨ પર બંધ આવ્યો છે. એડલવાઈઝ સિલ્વર ઈટીએફ અને મિરાયે એસેટ ઈટીએફ ૨૨-૨૨ ટકા તૂટયાં છે. ૩૬૦ વન સિલ્વર ઈટીએફમાં એક જ દિવસમાં ૨૧ ટકાનું ગાબડું જોવા મળ્યું તો નિપ્પોન સિલ્વર ઈટીએફ ૨૦ ટકા તૂટયા હતા.

આ કડાકા પાછળ ટ્રમ્પની ગ્રીનલેન્ડ મુદ્દે ઢીલાશની સાથે વૈશ્વિક અરાજકતાનો માહોલ ઓસરતા મેટલ માર્કેટમાં નરમાઈ જોવા મળી છે પરંતુ એમસીએક્સના ૪ ટકાના ઘટાડાની સામે ઈટીએફમાં ૨૦થી ૨૫ ટકાના કડાકા પાછળ એમસીએક્સ પર ચાંદીના ભાવનું પ્રીમિયમ જવાબદાર છે. ભારતીય ચાંદીમાં બજેટ પહેલા સટ્ટાકીય સોદાને કારણે પ્રીમિયમમાં વધારો થતા ઈટીએફના આ સૂપડાં સાફ થયા છે. આ ઈટીએફને અન્ડરલાઈન કરતા એમસીએક્સના ચાંદીના ભાવ અને વૈશ્વિક ચાંદીના ભાવની સાપેક્ષે ડબલ ડિજિટ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં હતા. ભારતીય ભાવ પ્રમાણે ચાંદી હાલ ૧૦૭ ડોલર પ્રતિ ઔંસ ચાલી રહી છે પરંતુ કોમેક્સ પર ચાંદી ૯૩ ડોલર છે. આ ૧૪ ડોલર અર્થાત્ ૧૫ ટકાના ડિસ્કાઉન્ટને કારણે આજે અન્ડરલાઈન બેંચમાર્ક કરતા ઈટીએફમાં વેચવાલી જોવા મળી હતી. બેંચમાર્કની સાપેક્ષે ઈટીએફની રિયલ વેલ્યુ આઈએનએવી પણ પ્રીમિયમે પહોંચતા આ ઘટાડો જોવા મળ્યાંનો માર્કેટ એક્સપર્ટસનો અંદાજ છે. 

આ સિવાય અન્ય એક કારણ માર્કેટમાં ઉડી રહેલી ઈમ્પોર્ટ ડયુટીની અફવા છે. ગત બે ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક માર્કેટ શાંત હોવા છતા એમસીએક્સ વાયદામાં ૧૦ ટકા આસપાસની શંકાસ્પદ તેજી જોવા મળી હતી. સરકાર આગામી બજેટમાં સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડયૂટી વધારશે તેવી અફવાના જોરે એમસીએક્સ પર ઉછાળો નોંધાયો હતો. ગઈકાલે મોડી સાંજે ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશને નાણામંત્રી નિર્મલા સીતારામનને બજાર અફવાઓ અંગે ચેતવ્યા હતા. એક પત્રમાં સંસ્થાએ નાણામંત્રીને આ અફવા કોણે અને કેમ ફેલાવી અને જો ખરેખર બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી લાદવાની સરકારની મનશા છે, તો આ વાત બજેટ જાહેરાત પહેલાં બહાર કોણે લીક કરી ?