મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોની ખરીદી દેખાઈ હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૨૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૧ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૫૭૦ થઈ ૪૫૧૨થી ૪૫૧૩ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૫.૬૬થી ઘટી નીચામાં ભાવ ૭૪.૫૮ થઈ ૭૫.૦૧થી ૭૫.૦૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ તૂટી રૂ.૨૬૪૬૭૯ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ આજે ઉંચા ખુલ્યા પછી ઘટતાં એકંદરે બંધ ભાવ ટકેલા રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૯૦૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૩૮ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૮.૮૪થી ઘટી નીચામાં ભાવ ૧૦૩.૬૮ થયા પછી ૧૦૭.૫૨ ડોલર રહ્યા હતા. અમેરિકાએ યુદ્ધમાં શાંતિ માટે ઈરાનને નવી દરખાસ્ત પાઠવી છે. હવે આ દરખાસ્તને ઈરાન દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી તથા ક્રૂડના ભાવ આંચકા પચાવી ફરી વધી જતાં બજારના ખેલાડીઓમાં અજંપો વધ્યાના સંકેતો પણ મળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૪૩ વાળા ૧૯૨૩ થઈ ૧૯૩૫થી ૧૯૩૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૬૯૭૮૬ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૩૭૦ વાળા ૧૩૪૮ થઈ ૧૩૫૬થી ૧૩૫૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૯ ટકા તૂટયા હતા. દરમિયાન, ચીન દ્વારા વિશ્વ બજારમાં તાજેતરમાં ક્રૂડની ખરીદી વધ્યાના વાવડ મળ્યા હતા.


