- ગ્રીનલેન્ડના વિવાદ અને ચીને ડોલરના બદલે સોનામાં રોકાણ કરતા
- ચાંદીનો ઓગસ્ટ વાયદો ઉછળીને રૂપિયા સવા ત્રણ લાખની સપાટી કુદાવી ગયો : વૈશ્વિક સોનું ઉછળી 4700 ડોલર નજીક : ચાંદી 94 ડોલર કુદાવી ગઈ
- અમદાવાદ સોનુ ઉછળીને રૂ. 1,48,500 અને મુંબઈ સોનુ 1,43,946ની નવી ટોચે
અમદાવાદ : ગ્રીનલેન્ડ પ્રશ્ને અમેરિકા તથા યુરોપ વચ્ચે તણાવ વધતાં વૈશ્વિક સોનામાં સેફહેવન બાઈંગ વધ્યું હતું. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તેના પગલે પણ વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી વધી હતી. આ અહેવાલો પાછળ આજે ભારતના સોના-ચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી હતી. જેમાં દિલ્હી બુલિયન બજારમાં ચાંદી રૂપિયા ૧૦,૦૦૦ ઉછળીને રૂપિયા ૩,૦૨,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. જ્યારે સોનામાં પણ તેજી જોવા મળી હતી. સોનાનો ભાવ રૂ.૧૯૦૦ વધીને ૧.૪૮ લાખને પાર કરી ગયો હતો. અમદાવાદ બુલિયન બજારમાં ચાંદી ૨,૯૦,૦૦૦ તથા મુંબઈ ખાતે ૨,૯૩,૯૭૫ની ટોચે પહોંચી હતી. જ્યારે ચાંદી ઓગસ્ટ વાયદાના ભાવ ઉછળી કિલોના રૂ.સવા ત્રણ લાખની ઉપર જઈ ૩,૨૯,૦૦૦ને આંબી ગયા હતા.
વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણમે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૯૬ વાળા વધી ઉંચામાં ભાવ ૪૬૯૦થી ૪૬૯૧ થઈ ૪૬૭૦થી ૪૬૭૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૦.૧૨ વાળા વધી ૯૪.૧૨નો રેકોર્ડ બનાવી ૯૩.૪૩થી ૯૩.૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૨૩૮૨ થઈ ૨૩૬૬થી ૨૩૬૭ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૨૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.૧૫ હજાર ઉછળ્યા હતા.દરમિયાન, સોનાના વાયદા બજારમાં આજે ભાવ ઉછળી એપ્રિલ વાયદાના રૂ.દોઢ લાખની ઉપર જતા રહ્યા હતા. અમદાવાદ ચાંદીના હાજર ભાવ ઉછળી આજે રૂ.૨ લાખ ૯૦ હજાર બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૮૫૦૦ના નવા ઉંચા મથાળે પહોંચી ગયા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૩૩૭૦ તથા ૯૯૯ના રૂ.૧૪૩૯૪૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૯૩૯૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેેટીનમના ભાવ ઉછળી ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૭૬ હજાર વટાવી રૂ.૭૬૫૦૦ નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ વધી ઔંસના ૧૮૩૬ થઈ ૧૮૧૫થી ૧૮૧૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૦.૪૨ ટકા વધ્યા હતા.
જોકે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નરમ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૩.૨૬ થઈ ૬૩.૬૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચીનથી મળેલા સમાચાર મુજબ ત્યાં અમેરિકાના બોન્ડનું હોલ્ડીંગ ઘટી ૧૭ વર્ષના તળિયે ઉતરવા સામે ત્યાં સોનાના રિઝર્વમાં ખાસ્સી વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા.


