દેશમાં ડિજિટલ પેમેન્ટસના વ્યાપમાં નોંધપાત્ર વધારો
- ડિજિટલ ચુકવણી ટેકનોલોજીકલ પરિવર્તન જ નહીં પરંતુ આર્થિક સમાવેશ અને વિકાસનો મજબૂત સ્તંભ
- ડિજિટલ પેમેન્ટસ હવે શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું
નવી દિલ્હી : વર્તમાન વર્ષના માર્ચમાં દેશમાં ડિજિટલ પેમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૦.૭૦ ટકા વધારો થયો હોવાનું રિઝર્વ બેન્કના ઈન્ડેકસ પરથી કહી શકાય છે. આરબીઆઈ-ડિજિટલ પેમેન્ટસ ઈન્ડેકસ દેશમાં થતા ઓનલાઈન વ્યવહારનું માપ મેળવે છે. છેલ્લા ચાર વર્ષમાં ડિજિટલ પેમેન્ટસના ઈન્ડેકસના વ્યાપમાં જોરદાર વધારો થયો છે.
માર્ચ, ૨૦૨૪માં આ ઈન્ડેકસ જે ૪૪૫.૫૦ હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધી ૪૯૩.૨૨ રહ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ ઈન્ડેકસ ૪૬૫.૩૩ રહ્યો હતો. દેશમાં ડિજિટલ પેમેન્ટસના સ્વીકાર અને તેના વિસ્તારનો ઈન્ડેકસમાં અંદાજ આપવામાં આવે છે. ઈન્ડેકસ ઊંચો આવવાનો અર્થ દેશમાં પેમેન્ટ માળખામાં વધારો થઈ રહ્યાના સંકેત છે.
માર્ચ, ૨૦૨૧માં ૨૭૦.૫૯થી વધી ઈન્ડેકસ હાલમાં ૪૯૩.૨૨ના સ્તરે પહોંચી ગયો છે, જે દેશમાં ડિજિટલ પેમેન્ટસનો વ્યાપ વધી રહ્યાનું સૂચવે છે. દેશમાં ડિજિટલ પેમેન્ટસ માત્ર શહેરો પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ નાના નગરો તથા ગામડાઓના ઉપભોગતા પણ તેનો સ્વીકાર કરતા થયા છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાન, ૬૫,૦૦૦ કરોડથી વધુ ડિજિટલ વ્યવહારો થયા છે, જેનું કુલ મૂલ્ય રૂ. ૧૨,૦૦૦ લાખ કરોડથી વધુ છે તેમ લોકસભામાં માહિતી આપતા સરકારે જણાવ્યું હત.
સરકાર, રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એ એમએસએમઈ અને નાના વેપારીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરી છે: નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ડિજિટલ ચુકવણીના ફેલાવાથી નાણાકીય સેવાઓની ઍક્સેસ સરળ બની છે, ખાસ કરીને ગ્રામીણ, પછાત અને વંચિત સમુદાયો માટે.
UPI જેવા પ્લેટફોર્મે માત્ર નાના વિક્રેતાઓને ડિજિટલ ચુકવણી સ્વીકારવા સક્ષમ બનાવ્યા નથી, પરંતુ વ્યવહારોની ટ્રેસેબિલિટીને કારણે નાણાકીય સંસ્થાઓને પરંપરાગત દસ્તાવેજો વિના ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. ભારતમાં ડિજિટલ ચુકવણી પ્રણાલી ફક્ત એક ટેકનોલોજીકલ પરિવર્તન જ નહીં પરંતુ આર્થિક સમાવેશ અને વિકાસનો એક મજબૂત સ્તંભ બની ગઈ છે.