Business

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

By GS TEAM
17 Sep 20251 min read
દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

મુંબઈ : ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ પહેલા બજારમાં મૂકી દેવાયેલી દવાઓને ઔ।ષધ ઉત્પાદકોએ બજારમાંથી પાછી ખેંચવાની નહીં રહે પરંતુ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના નવા માળખાના અમલ બાદ રિટેલર સ્તરે સુધારિત ભાવ દર્શાવાય તેની કંપનીઓ ખાતરી રાખે એમ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી  દ્વારા જારી કરાયેલા મેમોરેન્ડમ પ્રમાણે, દવા/ફોર્મ્યુલેશનનું વેચાણ કરતા દરેક ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓએ દવા/ફોર્મ્યુલેશન (તબીબી સાધનો) સહિતની મેક્સિમમ રિટેલ પ્રાઈસ (એમઆરપી) સુધારવાની રહેશે.

ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓએ  ગ્રાહકોને દર્શાવવા માટે  સુધારિત પ્રાઈસ લિસ્ટ અથવા પુરક પ્રાઈસ લિસ્ટ ડીલરો અને રિટેલરોને જારી કરવાના રહેશે. આ ઉપરાંત રાજ્યો ડ્રગ કન્ટોલરો તથા સરકારને પણ આ ભાવની તથા જીએસટીની સુધારિત યાદી પૂરી પાડવાની રહેશે. 

રિટેલર સ્તરે ભાવના ધોરણનું પાલન કરવાની  ઉત્પાદકો/માર્કેટિંગ કંપનીઓ ખાતરી રાખશે તો ૨૨ સપ્ટેમ્બર પહેલા છૂટા કરાયેલા સ્ટોકને રિ-લેબલિંગ અથવા રિ-સ્ટિકીંગ માટે પરત બોલાવવાની આવશ્યકતા રહેશે નહીં. 

સરકારની આ સ્પષ્ટતાને કારણે ફાર્મા ઉદ્યોગને મોટી રાહત થઈ છે. અન્યથા બજારમાંથી દવાના પાછી ખેંચી તેના પર રિ-લેબલિંગ પાછળ વ્યાપક ખર્ચ લાગી જવાની ચિતા રહેલી હતી. 

આ નિર્ણયને કારણે બજારમાં દવાઓની બિનજરૂરી અછત પણ ઊભી નહીં થાય. સુધારિત ભાવ યાદી દર્શાવવાની જવાબદારી હવે રિટેલરોની રહેશે. દરેક પ્રોડકટસ પર નવી એમઆરપી જોવા મળતા બે-અઢી મહિના લાગી શકે એમ છે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.