શેર બજારમાં હાહાકાર :નિફ્ટી 380 અને સેન્સેક્સ 1375 પોઇન્ટ તુટ્યો, રોકાણકારોના 2.74 લાખ કરોડ ધોવાયા
નવી દિલ્હી, 30 માર્ચ 2020 સોમવાર
RBI અને કેન્દ્ર સરકાર દ્વારા રાહતની જાહેરાત બાદ પણ સ્થાનિક રોકાણકારોમાં અને વૈશ્વિક સેન્ટીમેન્ટમાં પણ કોઈ ઉત્સાહ જોવા મળ્યો નથી. 30 માર્ચ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી સ્થાનિક શેરબજારમાં 8,300 ની નીચે આવી ગયો. આજે બજારમાં સૌથી મોટો ઘટાડો બેન્કિંગ ક્ષેત્રના શેરમાં જોવા મળ્યો હતો.
Nifty-Sensex નું સ્તર કેટલું રહ્યું
બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)ના 30 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારે એક દિવસના કારોબાર બાદ 1375.27 પોઇન્ટ અથવા 4.61 ટકાના ઘટાડા સાથે બંધ થયો. આ પછી સેન્સેક્સ હવે 28440.32 ની સપાટીએ પહોંચી ગયો છે. એક દિવસના કામકાજ પછી નિફ્ટી 50 ની વાત કરીએ તો તે પણ 380 પોઇન્ટ એટલે કે 4.38 ટકાના ઘટાડા સાથે 8,281 પર બંધ રહ્યો.
બેંકિંગ સેક્ટરમાં વેચાણ
ક્ષેત્રીય મોરચે આજે બીએસઈ એફએમસીજી અને ફાર્મા ક્ષેત્ર સિવાયના અન્ય તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા. આજે સૌથી વધુ ઘટનારા સેક્ટર બેન્ક નિફ્ટી અને બેન્કેક્સ ઇન્ડેક્સ રહ્યા. બેન્ક નિફ્ટી 1,186 પોઇન્ટ ઘટીને 18,782 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈ પર મિડકેપ, સ્મોલકેપ અને CNX મિડકેપ પણ લાલ નિશાન પર બંધ રહ્યા.
2.74 લાખ કરોડ રૂપિયાનું નું માર્કેટ કેપ ઘટ્યું
સોમવારે ઘરેલું શેરબજારમાં ઘટાડા પછી બીએસઈની કુલ માર્કેટ કેપમાં રૂ. 2.74 લાખ કરોડનો ઘટાડો થયો છે. ગત શુક્રવાર 27 માર્ચના દિવસે કારોબાર બંધ થયા પછી બીએસઈનું માર્કેટ કેપ 1,12,49,103.56 રૂપિયા હતું. જે 30 માર્ચનાં ટ્રેડિંગ પછી તે 1,09,74,641.46 પર આવી ગયું.