Get The App

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ

- માંગ ઊંચી રહેતા સેવા પૂરી પાડવા પેટેના ચાર્જિસમાં પણ વધારો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ 1 - image


મુંબઈ : ઉત્પાદન ક્ષેત્ર બાદ દેશના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ ઓગસ્ટમાં મજબૂત જોવા મળી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે જુલાઈમાં ૬૦.૫૦ હતો તે ઓગસ્ટમાં વધી ૬૨.૯૦ સાથે પંદર વર્ષની ટોચે રહ્યો છે. 

મજબૂત માગને પરિણામે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર વધારો થયો છે. માગ ઊંચી રહેતા સેવા માટેના દરમાં એક દાયકાનો સૌથી વધુ વધારો થયો હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

ઓગસ્ટ સતત ત્રીજો એવો મહિનો રહ્યો છે જેમાં પીએમઆઈ ૬૦ની ઉપર ગયો છે. જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર ભારતમાં માગ ઊંચી હોવાનું સૂચવે છે. 

ઊંચી માગ ઉપરાંત નવા બિઝનેસ ઓર્ડરમાં જૂન ૨૦૧૦ બાદ સૌથી ઝડપી વધારો પીએમઆઈ ઊંચે જવાના કારણો રહેલા છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઓગસ્ટમાં સતત ૪૯માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. આંતરરાષ્ટ્રીય વેચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડરો ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહેવા પામ્યા છે.

જૂન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા વધુ રહી ૭.૮૦ ટકા રહ્યો હતો.  ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને કારણે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિકાસ દર ઘટવાની ધારણાં રખાતી હતી પરંતુ તાજેતરના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના પીએમઆઈ આ ધારણાંને કદાચ ખોટી પાડશે તેમ જણાય રહ્યું છે. 

સેવા ક્ષેત્રમાં આગામી એક વર્ષ માટેનો બિઝનેસ કોન્ફીડેન્સ ત્રણ મહિનાની ટોચે રહ્યો છે. માગમાં સાનુકૂળ વાતાવરણ તથા જાહેરખબર પાછળના ખર્ચમાં વધારાને કારણે કોન્ફીડેન્સ ઊંચો જોવાઈ રહ્યો છે. ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધી ૧૭ વર્ષની ટોચે રહ્યો હતો. 

Tags :