નવા સપ્તાહમાં સેન્સેક્સ 61777 કુદાવતાં 62777 જોવાશે
- નિફટી સ્પોટ ૧૮૨૭૭ કુદાવતાં ૧૮૪૭૭ જોવાશે
- સેન્સેક્સ ૬૦૫૫૫ અને નિફટી ૧૭૮૭૭ની ટેકાની સપાટી
સોમવારે મહારાષ્ટ્ર દિને શેરબજારો બંધ રહેશે
મુંબઈ : કોર્પોરેટ ઈન્ડિયાના જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિક પરિણામોની સીઝનની શરૂઆત એકંદર પ્રોત્સાહક નીવડી બજારના સેન્ટીમેન્ટને તેજીમય બનાવ્યું છે. કંપની પરિણામોની સાથે આ વખતે ઊંચા ડિવિડન્ડ અને શેરોના બાયબેકની મોસમ પણ શરૂ થતાં શેરોમાં કરેકશન બાદ નવેસરથી ખરીદી વધવા લાગી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) જે ગત નાણાકીય વર્ષમાં વેચવાલ બન્યા હતા, એ એપ્રિલ મહિનામાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બની રહ્યા છે, જેના પરિણામે ઈન્ડેક્સ બેઝડ ફંડોની તેજી બાદ હવે સાઈડ માર્કેટમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આગઝરતી તેજીના મંડાણ થતાં જોવાયા છે. એક મહિનામાં સેન્સેક્સ ૩૧,માર્ચ ૨૦૨૩ની ૫૮૯૯૨ની સપાટીથી ૨૧૨૧ પોઈન્ટ એટલે કે ૩.૫૯ ટકા વધીને ૬૧૧૧૨ની સપાટીએ અને નિફટી સ્પોટ ૧૭૩૬૦ની સપાટીથી ૪.૦૬ ટકા એટલે કે ૭૦૫ પોઈન્ટ વધીને ૧૮૦૬૫ની સપાટીની આંબી ગયા છે. વિવિધ દેશોની રિઝર્વ-સેન્ટ્રલ બેંકો દ્વારા પાછલા દિવસોમાં ફુગાવા-મોંઘવારીને કાબૂમાં લેવા વ્યાજ દરોમાં તીવ્ર વધારાના આકરાં પગલાના પરિણામે આર્થિક વિકાસ રૂંધાવા લાગતાં અને કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે હજારો કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરવાના પરિણામે પરિસ્થિતિ વણસતી જોઈ ફરી આર્થિક વિકાસ પર ફોક્સ કરવાનું શરૂ કરી દીધું છે. એશીયામાં ચાઈનાએ પણ સ્ટીમ્યુલસને બદલે આર્થિક સુધારા સાથે આર્થિક વિકાસ પર ફોક્સ કરીને અર્થતંત્રને કોવિડ પૂર્વેની સ્થિતિએ ધમધમતું કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેને લઈ એશીયાના દેશોના બજારોમાં ગત સપ્તાહના અંતે તેજીનો સળવળાટ વધ્યો છે. ગત સપ્તાહમાં ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણના અંતે બજારમાં ફંડોની તેજી સાથે ટ્રેડરો પણ સુસ્તી ખંખેરીને ફરી તેજીમાં આવી જતાં જોવાયા છે. કોર્પોરેટ પરિણામોમાં આગામી સપ્તાહમાં હવે ૨,મે ૨૦૨૩ના ટાટા સ્ટીલ લિમિટેડ, ૨,મે ૨૦૨૩ના એબીબી ઈન્ડિયા, ટાઈટન, ટાટા કેમિકલ્સ, ૪,મે ૨૦૨૩ના બ્લુ સ્ટાર, એચડીએફસી લિ., હીરો મોટોકોર્પ, ટાટા પાવર, ટીવીએસ મોટરના રિઝલ્ટ, ૫,મે ૨૦૨૩ના ભારત ફોર્જ, કેફિનટેક, કોલ ઈન્ડિયાના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે. આગામી નવા સપ્તાહમાં ૧લી મે ૨૦૨૩ના મહારાષ્ટ્ર દિન નિમિતે શેર બજારો બંધ રહેનાર હોવાથી ચાર ટ્રેડીંગ દિવસના ટૂંકા સપ્તાહમાં સેન્સેક્સ ૬૦૫૫૫ની ટેકાની સપાટીએ ૬૧૭૭૭ કુદાવતાં ૬૨૭૭૭ અને નિફટી સ્પોટ ૧૭૮૭૭ના સપોર્ટે ૧૮૨૭૭ કુદાવતાં ૧૮૪૭૭ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : AUTOMOBILE CORPORATION OF GOA LTD.
માત્ર બીએસઈ(૫૦૫૦૩૬) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૪૯.૭૭ ટકા ટાટા મોટર્સ લિમિટેડના પ્રમોટર્સ હોલ્ડિંગની, ડિવિડન્ડ તરીકે ચોખ્ખા નફાના ૫૫ થી ૬૦ ટકા પે-આઉટ કરતી, ISO 9001:1994, ISO 9001:2000, QS 9000, TS 16949:2002, TS 16949:2002, IATF 16949, TS16949 Secon Edition Certified, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડ (AUTOMOBILE CORPORATION OF GOA LTD.), વર્ષ ૧૯૮૦માં અગાઉની ટાટા એન્જિનિયરીંગ એન્ડ લોકોમોટીવ કંપની લિ.(ટાટા મોટર્સ) અને ઈડીસી લિમિટેડ(અગાઉ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ગોવા, દમણ એન્ડ દિવ લિમિટેડ તરીકે ઓળખાતી) કંપની દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરાયેલી કંપનીએ પ્રથમ એન્જિનિયરીંગ એકમ ગોવામાં સ્થાપ્યું હતું. કંપનીઅત્યારે શીટ મેટલ કોમ્પોનન્ટસ, એસેમ્બલિઝ અને બસ કોચીઝ, સ્ટાફ ટ્રાન્સપોર્ટ માટેની બસો, ડીફેન્સ માટેની બસો, લકઝરી બસો, સિટી બસો, સ્કુલ બસો, સ્લિપર બસો, સ્પેશ્યલ ઉપયોગ માટેના વ્હીકલ્સ, શીટ મેટલ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય છે. જે માટે કંપની ભારતમાં હોન્ડા(ગોવા), ભુઈંપાલ(ગોવા), પૂના(મહારાષ્ટ્ર), ધારવડ(કર્ણાટક)માં મેન્યુફેકચરીંગ બેઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૨થી કાર્યરત કંપની ટાટા મોટર્સ પૂના ફેકટરીને પ્રેસિંગ્સ અને એસેમ્બિલીઝની મોટી સપ્લાયર છે. તેના ત્રણ એકમો ખાતે શીટ મેટલ ડિવિઝન ૧૭,૬૨૦ ટનથી વધુ હાઈ ટનેજ પ્રેસીઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૭માં કંપનીએ સુબારૂ કારની મેન્યુફેકચરર ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ-જાપાન સાથે ચેસીઝ માઉન્ટેડ બસ બોડીઝના વિવિધ મોડલો માટે ટેકનીકલ કોલોબ્રેશન કર્યું હતું અને કંપનીએ સંપૂર્ણ બસ બોડી બિલ્ડિંગ ડિવિઝન સ્થાપ્યું હતું. કંપની આ ઉપરાંત એફએચઆઈ-ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ ૧૯૯૫માં મોનોકોક્યુ બસોના નિર્માણ માટે પણ કરાર કર્યા હતા.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ ટાટા મોટર્સ હસ્તક ૪૯.૭૭ ટકા, ઈડીસી લિમિટેડ પાસે ૬.૬૬ ટકા, અરૂણ નાહર હસ્તક ૪.૧૩ ટકા, ડાયના ધુન રત્નાકર હસ્તક ૧.૦૮ ટકા, પંકજ રાકયાન પાસે ૧.૪૪ ટકા, રચના ક્રેડિટ કેપિટલ પ્રાઈવેટ લિ. પાસે ૧.૨૫ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૯.૫૯ ટકા છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ની રૂ.૨૭૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૩ની રૂ.૩૨૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ની રૂ.૩૭૫
ડિવિડન્ડ પે-આઉટ : કંપની કોવિડ પૂર્વે ચોખ્ખા નફાના ૫૫ થી ૬૦ ટકા ડિવિડન્ડ પે-આઉટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ : ચોખ્ખી આવક રૂ.૨૮૯ કરોડ મેળવીને કંપનીએ વર્ષ ૨૦૨૧-૨૨માં આગના કારણે રૂ.૫.૯૪ કરોડની અસાધારણ નુકશાનીની જોગવાઈ કર્યા બાદ ચોખ્ખો નફો રૂ.૩.૪૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૬૫ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૨ થી જૂન૨૦૨૨ : ચોખ્ખી આવક ૨૫૫ ટકા વધીને રૂ.૧૪૩.૨૧ કરોડ મેળવી ગત વર્ષના સમાનગાળાની રૂ.૩.૩૮ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ ચોખ્ખો નફો રૂ.૮.૨૮ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૩.૬૧ હાંસલ કરી હતી. જેમાં આગ વીમાની રૂ.૮૫ લાખની આવકનો સમાવેશ છે.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૨ : ચોખ્ખી આવક ૧૫૭ ટકા વધીને રૂ.૧૪૧.૪૨ કરોડ મેળવીને ગત વખતની રૂ.૧.૫૬ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ ચોખ્ખો નફો રૂ.૭.૭૩ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૨.૭૦ હાંસલ કરી છે.
(૪) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ : ચોખ્ખી આવક ૧૬.૭૮ ટકા વધીને રૂ.૯૦.૧૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩.૪૧ કરોડની તુલનાએ વધીને રૂ.૪.૧૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૬.૭૩ હાંસલ કરી છે.
(૫) પ્રથમ નવમાસિક એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ :ચોખ્ખી આવક રૂ.૧૭૨.૫૩ કરોડની તુલનાએ ૧૧૭.૨૩ ટકા વધીને રૂ.૩૭૪.૮૦ કરોડ મેળવીને ગત નવ માસિકની રૂ.૧.૫૩ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે ચોખ્ખો નફો રૂ.૨૦.૧૩ કરોડ નોંધાવી નવ માસિક શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૩.૦૪હાંસલ કરી છે.
(૬) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૩૪.૩૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૭.૩૫ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૨.૬૦ અપેક્ષિત છે.
(૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૫૦૯.૧૩ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૭.૪૮ કરોડ નોંધાવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક(ઈપીએસ) રૂ.૪૫.૬૪ અપેક્ષિત છે.
(૮) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૫૯૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૩૧.૮૬ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક રૂ.૫૨.૩૩ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૫૨.૩૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૭૫ સામે ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડનો શેર અત્યારે માત્ર બીએસઈ પર રૂ.૮૦૬.૮૫ના ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૪ના પી/ઇ સામે માત્ર ૧૫.૪૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.