નવા સપ્તાહમાં સેન્સેક્સ 86888થી 84222 વચ્ચે અથડાશે
- નિફટી ૨૬૫૫૫ થી ૨૫૭૭૭ વચ્ચે અથડાશે
- નિરંકુશ તેજી જોખમી બની શકે : તેજીના ઉન્માદમાં નફાની બાંધણી કરતાં રહેવું જરૂરી
મુંબઈ : નિરંતર નવા શિખરો સર કરતાં ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં સેન્સેક્સે ૮૫૯૭૮ અને નિફટીએ ૨૬૨૭૭ની નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી ધીમી પડી નફારૂપી વેચવાલી થતાં સપ્તાહના અંતે વિક્રમી તેજીને ઈન્ડેક્સ બેઝડ વિરામ અપાતો જોવાયો છે, પરંતુ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં મોટાપાયે રૂ.૬૮૮૭ કરોડની જંગી ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી સિવાય બજાર સાઈડ માર્કટમાં શેરોમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાતું જોવાયું છે. જેના પરિણામે શેરોમાં બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ રૂ.૪૭૭.૯૨ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું છે. વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલે વિશ્વની મહાસત્તાઓના યુદ્વ વિરામની અરજની ઐસી કી તૈસી કરીને લેબનોનને પણ ગાઝાની જેમ ખેદાન-મેદાન કરવાનો નિર્ધાર કરી યુદ્વને ભયાવહ મોરચે લઈ જવા માંડયું છે, ત્યારે બીજી તરફ ચાઈનાએ પોતાના અર્થતંત્રને સંકટમાંથી બહાર લાવવા આખરે મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી છે. જેના પરિણામે વિશ્વને અર્થતંત્ર સુધરવાની આશ બંધાઈ છે. આ પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં ગત સપ્તાહમાં ચાઈના પાછળ તેજી જોવાઈ છે. જેમાં પાછલા દિવસોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા અપેક્ષાથી વધુ અડધા ટકાના ઘટાડા બાદ અન્ય સેન્ટ્રલ બેંકો દ્વારા પણ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ તેજી બળવતર બનવા લાગી છે.
જીદની લડાઈમાં નિરંકુશ તેજી જોખમી બની શકે : તેજીના ઉન્માદમાં નફાની બાંધણી કરતાં રહેવું જરૂરી
ભારતીય શેર બજારો લાંબા સમયથી ઓવરબોટ હોઈ જીદની લડાઈમાં મંદીવાળાઓને ભીતસરસા ધરબી દેવાનો જે ખેલ ખેલાઈ રહ્યો છે, એ અતિના અતિરેક સમાન થવા લાગ્યો છે. બજારની લાંબાગાળાના તંદુરસ્તી માટે સમયાંતરે કરેકશન-ઘટાડો અનિવાર્ય હોય છે. જેને અવગણીને અત્યારે જોવાઈ રહેલી નિરંકુશ તોખાર તેજી આગળ જતાં જોખમી બની શકે છે. વેલ્યુએશન મામલે ઘણા શેરો ઓવરવેલ્યુઅડ બન્યા હોઈ પાછલા દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી અટકી વળતરમાં ઘટાડો થતો જોવાયો છે. શેરોની પસંદગીમાં વર્તમાન તબક્કે સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. લાર્જ કેપ શેરોમાં જોવાઈ રહેલા યુફોરિયા, તેજીનો ઉન્માદ શકય છે કે ચાઈનાની રિકવરીએ ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન થવાની સ્થિતિમાં મોટું કરેકશન આપી શકે છે. જેથી ઉછાળે નફાની બાંધણી કરતાં રહેવું ખૂબ જરૂરી છે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૬૫૫૫થી ૨૫૭૭૭ની મોટી રેન્જ અને સેન્સેક્સ ૮૬૮૮૮થી ૮૪૨૨૨ની મોટી રેન્જમાં ફંગોળાતા જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : PEARL GLOBAL INDUSTRIES LTD.
બીએસઈ(૫૩૨૮૦૮), એનએસઈ(PGIL) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PEARL GLOBAL INDUSTRIES LIMITED) વર્ષ ૧૯૮૭માં સ્થપાયેલી ભારતની અગ્રણી સૌથી મોટા લિસ્ટેડ ગાર્મેન્ટ્સ નિકાસકારો પૈકી એક છે. કંપની વૈશ્વિક અગ્રણી બ્રાન્ડસ માટે પ્રીફર્ડ લાંબાગાળાની વેન્ડર છે. કંપનીના ઉત્પાદનોની રેન્જમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટેના નીટ્સ, વૂવન અને બોટમ્સ (બેઝિકક અને કોમ્પલેક્સ ડિઝાઈનો) સહિતનો સમાવેશ છે. કંપની વૈવિધ્યીકૃત મેન્યુફેકચરીંગ બેઝ ધરાવે છે. કંપની ભારત, ઈન્ડોનેશીયા, બાંગ્લાદેશ, વિયેતનામ, અમેરિકા, સ્પેન, હોંગકોંગ, યુ.કે. અને ગુએતમાલા સહિત ૧૦ દેશોમાં ૨૪ એકમો ધરાવે છે. કંપની તેના ઉત્પાદનો માટે ૭૫ ડિઝાઈનરો અને ૨૭,૦૦૦ કૂશળ એક્ઝિક્યુટીવોની ટીમ ધરાવે છે.
કંપનીની વાર્ષિક મેન્યુફેકચરીંગ ક્ષમતા ૮૪૦ લાખ યુનિટ (જેમાં પોતાની અને આઉટસોર્સ સવલતોનો સમાવેશ છે) ધરાવે છે. કંપની તેની આવકમાં મોટો હિસ્સો નિકાસ થકી મેળવે છે. જેમાં પ્રમુખ હિસ્સો અમેરિકાને નિકાસ કરી મેળવે છે. કુલ આવકમાંથી ૯૫ ટકા નિકાસ થકી મેળવે છે. કંપનીના તેના ગ્રાહકો સાથેના લાંબાગાળાના મજબૂત સંબંધો હોઈ પાંચ વર્ષથી વધુ સમયથી કંપની સાથે જોડાયેલા ગ્રાહકો પાસેથી ૫૬ ટકા વેચાણ મેળવે છે. કંપની ૮૫ ટકા જેટલી મેન્યુફેકચરીંગ સવલતો પોતાની ધરાવે છે. જ્યારે બાકી એસેટ લાઈટ પાર્ટનરશીપ મોડલ હેઠળ ધરાવે છે. કંપની પ્રમુખ બિઝનેસ કામગીરી જેમ કે ડિઝાઈનીંગ, ફેબ્રિક ખરીદી-પ્રાપ્તિ, કાર્યકારી મૂડી અને ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયર સહિત પોતે સંભાળે છે. કંપની વૃદ્વિના તબક્કામાં છે અને વ્યુહાત્મક એક્વિઝિશન અને પાર્ટનરશીપ સાથેભૌગોલિક વિસ્તાર કરવા અને નવી ટેકનોલોજીસ અપનાવવા પર ફોક્સ કરી રહી છે.
શેર દીઠ રૂ.૭૩૧ ભાવે ક્યુઆઈપી : (૧) પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેર દીઠ રૂ.૭૩૧ ભાવે ૨૦,૪૫,૧૪૩ શેરોનો ક્યુઆઈપી કરીને રૂ.૧૪૯ કરોડ ઊભા કર્યા હતા. જેમાં ઈન્વેસ્ટરોમાં ગોલ્ડમેન સેશ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ અને એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ છે. (૨) એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા માર્કેટમાંથી શેર દીઠ રૂ.૧૦૦૦ જેટલા ભાવે એક લાખ જેટલા શેરો ખરીદીને પોતાનું કંપનીમાં હોલ્ડિંગ વધારીને ૫.૧૦ ટકા કર્યું છે.
પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં ગેપ, કોહલ્સ, મેસીઝ, વોલમાર્ટ, ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા, ઈન્ડિટેક્ષ, રાલ્ફ લોરેન, નેક્સ્ટ, ટોમ ટેઈલર, ઓલ્ડ નેવી અને મુજી સહિતના વૈશ્વિક ગ્રાહકોનો સમાવેશ છે.
વૈશ્વિક અસ્તિત્વ : પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ સાઉથ એશીયા, સાઉથઈસ્ય એશીયા અને સેન્ટ્રલ અમેરિકામાં કામગીરી ધરાવે છે. કંપની મેડીટેરનિયન રીજીયનમાં વિસ્તાર કરવાનું પણ લક્ષ્ય ધરાવે છે. કંપની બાંગ્લાદેશ, ભારત, વિયેતનામ અને અન્ય પ્રમુખ રીજીયનોમાં મજબૂત અસ્તિત્વ ધરાવે છે. માર્કેટીંગમાં કંપની અગ્રણી બ્રાન્ડ્સ જેવી કે યુએસ પોલો, રાલ્ફ લોરેન, ટોમી હિલફિગર, કેલવિન ક્લેઈન, ઈન્ડિટેક્ષ અને મુજી જેવી અગ્રણી બ્રાન્ડસ માટે ટોચના પાંચ વૈશ્વિક વેન્ડરોમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
ઉદ્યોગના અન્ય મોટાભાગના સાહસિકોની જેમ કંપની માત્ર અમેરિકા પર ફોક્સ કરવાને બદલે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિતના તમામ પ્રમુખ બજારોમાં તેની કામગીરી વિસ્તારી, વૈવિધ્યીકૃત કરવા પર ફોક્સ કરે છે. કંપનીની તેની ૧૫ સંપૂર્ણ માલિકીની ફેકટરીઓ અને ૯ આંશિક માલિકીની ફેકટરીઓ ૬૮ ટકા ક્ષમતા વપરાશે કાર્યરત છે. કંપની પ્રોડકટ ડેવલપમેન્ટ અને ડિઝાઈનમાં ૬થી ૭ ડિઝાઈનરો સતત તેના અમેરિકા અને લંડનમાં દરેક ગ્રાહક સાથે તેમની મેઈડ ટુ ઓર્ડર પ્રોડક્ટસ ડેવલપ કરવા પર કામ કરે છે. કંપનીએ તેનું વિસ્તરણથી લઈને જમીન હસ્તગત કરવા અને સંપૂર્ણ વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરવા ૧૫થી ૨૦ મહિનાનો અંદાજ મૂક્યો છે. કંપનીની કુલ ક્ષમતાના ૫૦ ટકા બાંગ્લાદેશ સ્થિત છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં અશાંતીના કારણે કામગીરીમાં રૂકાવટ આવી હતી, પરંતુ હવે ૧૦૦ ટકા હાજરી સાથે ફરી કામગીરી શરૂ થઈ ગઈ છે. કંપની આ સમયગાળામાં થયેલા ઉત્પાદન નુકશાનીને ફરી હાંસલ કરવા એક્સ્ટ્રા સમય માટે કામ કરશે અને અત્યારે કંપનીને તેની યોજના તેમ જ બાંગ્લાદેશ કામગીરીમાં કોઈ જોખમ લાગતું નથી.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૧૪૫, માર્ચ ૨૦૨૨ના રૂ.૧૫૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૭૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૦૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૨૬૧
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૭૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૭૫ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ શેઠ ફેમિલી પાસે ૬૩.૨૧ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૫.૭૦ ટકા, એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૪.૭૩ ટકા, અન્યો પાસે ૫.૩૩ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૯.૧૦ ટકા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૩૧૮૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૪૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૪.૪૦ હાંસલ કરી હતી.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક ૯ ટકા વૃદ્વિએ રૂ.૩૪૬૯ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૭૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૬૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૦.૦૫ હાંસલ કરી હતી.
(૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન ૨૦૨૪ : ચોખ્ખી આવક ૧૦.૬૨ ટકા વૃદ્વિએ રૂ.૧૦૬૨ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૩૭ ટકા થકી ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૂ.૬૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૪.૮૪ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૧૦૦કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૪૪ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૩.૪૬ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૧૦ દેશોમાં ૨૪ મેન્યુફેકચરીંગ એકમો થકી ભારતની સૌથી મોટી ગાર્મેન્ટ નિકાસકાર પૈકી એક (૩) કુલ આવકના ૯૫ ટકા નિકાસ થકી મેળવતી (૪) ૬૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૫) પ્રમોટર્સ પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શેર દીઠ રૂ.૭૩૧ ભાવે ૨૦,૪૫,૧૪૩ શેરોનો ક્યુઆઈપી કરી રૂ.૧૪૯ કરોડ મેળવનાર અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેર દીઠ રૂ.૧૦૦૦ જેટલા ભાવે એક લાખ જેટલા શેરો માર્કેટમાંથી ખરીદી હોલ્ડિંગ વધારી ૫.૧૦ ટકા કરનાર (૬) પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૫૩.૪૬, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૬૧ સામે રૂ.૫ પેઈડ-અપ શેર અત્યારે ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ના બીએસઈ પર રૂ.૮૬૭.૯૦ના ભાવે (એનએસઈ પર રૂ.૮૬૬ ભાવે)કંપનીની માર્ચ ૨૦૨૫ની અપેક્ષિત કમાણીએ ઉદ્યોગના સરેરાશ ૪૦ના પી/ઈ સામે માત્ર ૧૬.૩૦ના પી/ઈએ ઉપલબ્ધ છે.